Business

2000 કરોડના 'કૌભાંડ' બાદ જાણીતી બૅન્ક સામે નવું સંકટ, PMO અને RBI સુધી ફરિયાદ પહોંચી

By GS Team
3 Jun 20263 mins read
TukuTouch Logo
ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક 'ઇન્ડસઇન્ડ બેંક'ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બેંકમાં આશરે 2000 કરોડ રૂપિયાની ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગ ગડબડી સામે આવ્યા બાદ, હવે એક વિસલબ્લોઅરની ફરિયાદને કારણે નવો હોબાળો મચ્યો છે. બેંકના જ એક પૂર્વ વરિષ્ઠ અધિકારી પર ગુપ્ત માહિતીના આધારે ગેરકાયદેસર રીતે 46 કરોડ રૂપિયા કમાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા વિસલબ્લોઅરે વડાપ્રધાન કાર્યાલય (PMO), ભારતીય રિઝર્વ બેંક (RBI) સહિત દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ પાસે તપાસની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2000 કરોડના 'કૌભાંડ' બાદ જાણીતી બૅન્ક સામે નવું સંકટ, PMO અને RBI સુધી ફરિયાદ પહોંચી

IndusInd Bank Controversy: ખાનગી ક્ષેત્રની અગ્રણી બૅંક 'ઇન્ડસઇન્ડ બૅંક'ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બૅંકમાં આશરે 2000 કરોડ રૂપિયાની ડેરિવેટિવ્સ એકાઉન્ટિંગ ગડબડી સામે આવ્યા બાદ, હવે એક વિસલબ્લોઅરની ફરિયાદને કારણે નવો હોબાળો મચ્યો છે. બૅંકના જ એક પૂર્વ વરિષ્ઠ અધિકારી પર ગુપ્ત માહિતીના આધારે ગેરકાયદેસર રીતે 46 કરોડ રૂપિયા કમાવવાનો આરોપ લાગ્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા વિસલબ્લોઅરે વડાપ્રધાન કાર્યાલય (PMO), ભારતીય રિઝર્વ બૅંક (RBI) સહિત દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીઓ પાસે તપાસની માંગ કરી છે.

આ નકારાત્મક સમાચારની સીધી અસર બૅંકના શેર પર જોવા મળી છે. આજના શરૂઆતના કારોબારમાં જ ઇન્ડસઇન્ડ બૅંકનો શેર આશરે 2.50% કરતાં વધુ ઘટીને 888.80 રૂપિયાના સ્તરે આવી ગયો હતો.

ઇન્સાઇડર ટ્રેડિંગ દ્વારા 46 કરોડનો નફો કમાયાનો આરોપ

એક રિપોર્ટ મુજબ આ ફરિયાદની નકલો સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (SFIO) અને નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિગ ઑથોરિટી(NFRA)ને પણ મોકલવામાં આવી છે. ફરિયાદમાં બૅંકના ભૂતપૂર્વ ઇસ્ટ ઝોનલ હેડ સમિર અગ્રવાલ પર ઇન્સાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

વિસલબ્લોઅરનો દાવો છે કે સમિર અગ્રવાલે બૅંકની અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ કરીને પોતાના પરિવાર અને સંબંધિત સંસ્થાઓ મારફતે શેરોમાં ટ્રેડિંગ કર્યું હતું. આરોપ છે કે બૅંકની મહત્ત્વપૂર્ણ માહિતી જાહેરમાં બહાર આવે તે પહેલાં, આશરે 815 કરોડ રૂપિયાના શેર સોદા કરીને આશરે 46 કરોડ રૂપિયાનો મોટો નફો ગેરકાયદેસર રીતે કમાવવામાં આવ્યો હતો.

ઓડિટ રિપોર્ટ દબાવવા અને લોનની એવરગ્રીનિંગના ગંભીર આક્ષેપો

આ વિસલબ્લોઅર દ્વારા માત્ર ઇન્સાઇડર ટ્રેડિંગ જ નહીં, પરંતુ બૅંકના ગવર્નન્સને લઈને પણ ઘણા ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં નીચેની બાબતો સામેલ છે:

બૅંકના નાણાકીય રૅકોર્ડ્સ અને એકાઉન્ટિંગમાં મોટા પાયે હેરફેર કરવી.

માઇક્રોફાઇનાન્સ લોનની 'એવરગ્રીનિંગ' (ખરાબ લોનને સારી બતાવવી) કરવી.

ઇન્ટરનલ ઓડિટ દરમિયાન સામે આવેલા વાસ્તવિક નિષ્કર્ષો અને ખામીઓને દબાવવાનો પ્રયાસ કરવો.

બૅંકમાં ચાલી રહેલી કથિત અનિયમિતતાઓને છુપાવવી.

વિસલબ્લોઅરનો સીધો આરોપ છે કે બૅંકના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને બોર્ડના સભ્યોએ પણ આ આખી ગડબડી પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ઇન્ડસઇન્ડ બૅંકે તમામ આરોપોને નકારી કાઢ્યા

બીજી તરફ, ઇન્ડસઇન્ડ બૅંકે આ તમામ આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. બૅંકે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તે વિસલબ્લોઅર દ્વારા લગાવવામાં આવેલા આ આક્ષેપોને સ્વીકારતી નથી. બૅંકના જણાવ્યા અનુસાર, આ પ્રકારની તમામ ફરિયાદોની આંતરિક રીતે વિગતવાર તપાસ કરવામાં આવી છે અને જે પણ જરૂરી કાર્યવાહી હતી તે રેગ્યુલેટરી નિયમો તથા બૅંકની આંતરિક નીતિઓ અનુસાર જ કરવામાં આવી છે.

બૅંકે એવો પણ દાવો કર્યો છે કે કેટલાક મુદ્દાઓની જાણ તેણે પોતે જ સામેથી સંબંધિત ઑથોરિટીઝને કરી હતી. હાલમાં આ સમગ્ર મામલો સમીક્ષા હેઠળ હોવાથી બૅંક આનાથી વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં.

આ પણ વાંચો: સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની 'ભવિષ્યવાણી'

નિયામકોની દેખરેખ વધુ કડક બનશે

આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે 2000 કરોડ રૂપિયાની એકાઉન્ટિંગ ગડબડીના વિવાદ વચ્ચે આ નવી ફરિયાદ આવવાથી RBI અને અન્ય નિયામક એજન્સીઓ ઇન્ડસઇન્ડ બૅંક પર પોતાની પકડ વધુ મજબૂત કરી શકે છે. જો તપાસ એજન્સીઓને આ આક્ષેપોમાં પ્રાથમિક દૃષ્ટિએ કોઈ તથ્ય જણાશે, તો બૅંક અને તેના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ મોટી કાનૂની તપાસ શરૂ થઈ શકે છે.