ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંકમાં વ્યવહારમાં મૂકવા નેપાળ મંજુરી આપશે
ભારત અને વિદેશના પર્યટકોને રાહત થશે

મુંબઈ : ભારતની રૂપિયા ૧૦૦થી વધુના મૂલ્યની કરન્સી નોટસને સર્ક્યુલેશનમાં મૂકવા નેપાળ ટૂંક સમયમાં પરવાનગી આપવા વિચારી રહ્યું છે. એક દાયકાથી નેપાળમાં ભારતની ઊંચા મૂલ્યની ચલણી નોટસ પર પ્રતિબંધ મુકાયો છે.
આ નિર્ણય અંતિમ તબક્કામાં છે અને આ સંદર્ભમાં નેપાળ ગેઝેટમાં ટૂંક સમયમાં નોટિસ જારી કરાશે અને બેન્કો તથા નાણાં સંસ્થાઓને તેની જાણ કરાશે એમ નેપાળ રાષ્ટ્ર બેન્કના પ્રવકતા ગુરુ પ્રસાદ પૌડેલને ટાંકીને કાઠમંડુ પોસ્ટે અહેવાલ આપ્યો છે.
નેપાળ રાષ્ટ્ર બેન્ક એ નેપાળની કેન્દ્રીય બેન્ક છે. આ નિર્ણયને કારણે ભારત ખાતેથી નેપાળ ફરવા જતા પ્રવાસીઓને સરળતા થઈ પડશે એટલું જ નહીં નેપાળથી અહીં કામકાજ માટે આવતા કર્મચારીઓને ુપણ અહીંની કમાણી ત્યાં લઈ જવામાં આસાન પડશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં નિયમમાં કરાયેલા ફેરબદલ બાદ નેપાળ સરકાર માટે ભારતની ઊંચા મૂલ્યની ચલણી નોટોને મંજુરી આપવાનું શકય બન્યું છે. રિઝર્વ બેન્કે નિયમમાં કરેલા ફેરબદલ પ્રમાણે કોઈ વ્યક્તિ રૂપિયા ૧૦૦થી વધુના મૂલ્યની કોઈપણ ચલણી નોટ નેપાળ લઈ જઈ શકશે અને લાવી પણ શકશે. જો કે સંબંધિત વ્યક્તિ મહત્તમ રૂપિયા ૨૫૦૦૦ સુધીની જ રકમ લાવી-લઈ જઈ શકશે. નેપાળ ખાતેથી ભારતમાં બનાવટી નોટોની થતી દાણચોરીને ધ્યાનમાં રાખી ૨૦૧૬ની નોટબંધી બાદ ચલણી નોટસ લાવવા-લઈ જવા પર સખત નિયમનો મૂકવામાં આવ્યા હતા.

