અમદાવાદ : ભારતમાં શેરબજારમાં ટ્રેડિંગ કલાકો વધારવાની વિચારણા હજી ચાલી રહી છે તેવામાં વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી ઈન્ડેકસ ગણાતા અમેરિકાના નાસ્ડેકમાં સપ્તાહના ૫ દિવસ ૨૪ કલાક ટ્રેડિંગ ચાલુ રાખવા અંગે અંતિમ નિર્ણય લેવાવા જઈ રહ્યો છે.
ટેકનોલોજી શેરો અને નીવિદા એપલ અને માઈક્રોસોફ્ટ સહિતના 'મેગ્નિફિસિયન્ટ સેવન'નું ઘર ગણાતા નાસ્ડેક એક્સચેન્જ હવે ૨૪-કલાક ટ્રેડિંગને વાસ્તવિકતા બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. રોઈટર્સના અહેવાલ મુજબ નાસ્ડેક ૨૪-કલાક ટ્રેડિંગને સક્ષમ બનાવવા માટે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ને જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા છે.
આ ૨૩ કલાક ૫૦ મિનિટની સાઈકલનો હેતુ યુએસ ઇક્વિટી માટે વધતી જતી વૈશ્વિક માંગનો લાભ લેવાનો છે. નાસ્ડેકના પ્રમુખ તાલ કોહેને આ વર્ષે માર્ચમાં જ કહ્યું હતું કે એક્સચેન્જે નિયમનકારો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે અને ૨૦૨૬ના બીજા ભાગમાં અઠવાડિયામાં પાંચ દિવસ નોન-સ્ટોપ ટ્રેડિંગ શરૂ કરવાની આશા છે.
ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ અને સીબીઓઈ ગ્લોબલ માર્કેટ્સે પણ ૨૪-કલાક ટ્રેડિંગ માટેની યોજનાઓ જાહેર કરી છે. હાલમાં યુએસ બજારો ૧૬ કલાક માટે કાર્યરત છે, જેને નાસ્ડેક ૨૩ કલાક સુધી લંબાવવાની યોજના ધરાવે છે. હાલમાં પ્રી-માર્કેટ સેશન સવારે ૪ વાગ્યાથી ૯:૩૦ વાગ્યા (પૂર્વીય સમય) સુધી ચાલે છે. નિયમિત બજારો સવારે ૯:૩૦થી ૪ વાગ્યા સુધી ખુલ્લા રહે છે અને આફ્ટર-માર્કેટ સેશન સાંજે ૪ વાગ્યાથી ૮ વાગ્યા સુધી ચાલે છે.
અહેવાલ મુજબ ૨૩-કલાક ટ્રેડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, ત્યારે દિવસનું સેશન સવારે ૪:૦૦ વાગ્યે શરૂ થશે અને રાત્રે ૮:૦૦ વાગ્યે સમાપ્ત થશે. ત્યારબાદ મેઈનટેનન્સ, ટેસ્ટિંગ અને ટ્રેડ ક્લિયરિંગ માટે એક કલાકનો વિરામ આપવામાં આવશે. વિરામ પછી રાત્રિ સત્ર રાત્રે ૯:૦૦ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે ૪:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. જોકે, પ્રી-માર્કેટ, રેગ્યુલર અને પોસ્ટ-માર્કેટ સેશન રાબેતા મુજબ ચાલુ રહેશે.


