Get The App

મ્યુ. ફંડોની ઈક્વિટી ખરીદી છ માસમાં સૌથી ઓછી

- મ્યુચ્યુઅલ ફંડ સ્કિમોમાં રોકાણ પ્રવાહ અનિશ્ચિત બનતાં અને વેલ્યુએશનને કારણે ફંડ મેનેજરો ઓક્ટોબરમા મોટી ખરીદીમાં સાવચેત બન્યા

- ફંડોનું ઈક્વિટીમાં ચોખ્ખું રોકાણ રૂ.૧૭,૭૭૮ કરોડ

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
મ્યુ. ફંડોની ઈક્વિટી ખરીદી છ માસમાં સૌથી ઓછી 1 - image


મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઈક્વિટી-શેરોમાં છેલ્લા છ મહિનામાં ખરીદી સૌથી નીચા સ્તરે રહી છે. ઓકટોબર મહિનામાં ફંડોના ફંડ મેનેજરો શેરોમાં ખરીદીમાં સાવચેત રહ્યા છે. બજારમાં સુધારો થવાની સાથે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની સ્કિમોમાં નવા રોકાણમાં ઘટાડો થયો છે.

મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, ગત મહિને (૩૦, ઓકટોબર સુધીમાં) મ્યુચ્યુઅલ ફંડોએ ઈક્વિટીમાં ચોખ્ખું રોકાણ રૂ.૧૭,૭૭૮ કરોડ કર્યું હતું, જે સપ્ટેમ્બરમાં રૂ.૪૬,૪૪૨ કરોડ અને ઓગસ્ટમાં રૂ.૭૦,૫૩૪ કરોડ રહ્યું હતું. નિષ્ણાંતોએ ઈક્વિટીમાં રોકાણમાં ઘટાડા માટે પ્રોફિટ બુકિંગ અને વધતા વેલ્યુએશનની ચિંતાઓને જવાબદાર ગણાવી હતી, જેમાં શેરના ભાવો રેકોર્ડ ઊંચાઈની નજીક હતા.

ગત મહિને રોકાણકારોની નફારૂપી વેચવાલી અને વેલ્યુએશનને કારણે મ્યુચ્યુઅલ ફંડોની સ્કિમોમાં ચોખ્ખું રોકાણ પણ ઓછું રહ્યાનો નિષ્ણાંતોનો અંદાજ છે. ફંડ મેનેજરો પણ નવી મૂડીનું રોકાણ કરતાં પહેલા સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝન ચાલતાં સાવચેતી અપનાવી હોવાનું બજારના સમીક્ષકનું માનવું છે.

મ્યુચ્યુઅલ ફંડો દ્વારા નાણાના રોકાણનું પ્રમાણ કેટલું રહ્યું એ એક્ટિવ, પેસિવ અને હાઈબ્રિડ સ્કિમોમાં નાણાના પ્રવાહ અને જાવકની ગતિ પર મોટાભાગે નિર્ભર રહે છે. હાઈબ્રિડ ફંડોની ઈક્વિટી ફાળવણીમાં કેશ પોઝિશન અને એડજસ્ટમેન્ટમાં ફેરફારોની પણ રોકાણના પ્રમાણ પર અસર જોવાઈ હતી.

કેટલાક ફંડ મેનેજરો સ્કિમોમાં ફંડનો પ્રવાહ અનિશ્ચિત બન્યો હોઈ ખર્ચાળ અને વધેલા વેલ્યુએશને શેરોની ખરીદી કરવામાં સાવચેત બન્યા હતા. જુલાઈ મહિનામાં રૂ.૪૨,૭૦૨ કરોડના રેકોર્ડ રોકાણ પ્રવાહ બાદથી એક્ટિવ ઈક્વિટી સ્કિમોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ મંદ-ધીમો પડતો જોવાયો છે. સપ્ટેમ્બરમાં રૂ.૩૦,૪૨૨ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો હતો.

શેર બજારોમાં પણ રિકવરી ઓકટોબરમાં સતત રહી ઓલ ટાઈમ હાઈ નજીક બજાર પહોંચી  ગયું હતું. નિફટી ૫૦ અને સેન્સેક્સ ઈન્ડેક્સ ઓકટોબર મહિનામાં દરેક ૪.૫ ટકા વધ્યા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોના સતત નેટ રોકાણ સામે ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોની સતત વેચવાલી થઈ  હતી.

Tags :