મુંબઈ ચાંદી રૂ.186000, અમદાવાદ રૂ.182000ની ટોચે
- વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો વેચવા નિકળતાં ઘરઆંગણે પણ ભાવમાં ઘટાડોઃ ચાંદીમાં ત્રણ દિવસમાં રૂ.૮૦૦૦નો ઉછાળો
- વિશ્વ બજારમાં ચાંદી ઝડપી વધી ઔંશના ૬૨ ડોલર નજીક પહોંચી

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં તેજી ઝડપી ગતીએ આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીની તેજીમાં નવો રેકોર્ડ સર્જાયાના સમાચાર હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં ચાંદીના ભાવમાં તેજીનો ચરૂ ઉકળતો રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૨૦૦૦ વધી રૂ.૧ લાખ ૮૨ હજાર બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. ચાંદીના ભાવ ૩ દિવસમાં ઝડપી રૂ.૮૦૦૦ વધી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૫૮.૫૫ ડોલર વાળા વધી ઉંચામાં ભાવ ૬૧ ડોલર પાર કરી ૬૧.૬૧ થઈ ૬૧.૦૦થી ૬૧.૦૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ચાંદીમાં ઔદ્યોગિક માગ વધી રહ્યાના વાવડ મળ્યા હતા. ૨૦૨૬ના નવા વર્ષમાં ચાંદીના વૈશ્વિક ભાવ વધી ૭૦ ડોલર થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ચાંદીમાં વૈશ્વિક ધોરણે સપ્લાય ટાઈટ રહી છે. ચાંદીના ભાવ આ વર્ષે બમણાથી વધુ વધ્યા છે જ્યારે સોનાના ભાવ ૬૦ ટકા વધ્યા છે. ચીનમાં ચાંદીનો સ્ટોક ઘટી ૧૦ વર્ષના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. ચાંદીના ભાવ ત્રઅણ વિકમાં ૨૦ ટકા વધી ગયા છે. ચાંદી પર આધારીત ઈટીએફમાં ઈન્ફલો વધ્યો છે. જો કે અમુક તજજ્ઞાોના જણાવ્યા મુજબ ચાંદીના ભાવ હાલ ફેરવેલ્યુ કરતાં આશરે ૧૫ ટકા ઊંચા રહ્યા છે.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદી વધી રહી હતી ત્યારે સોનાના ભાવ ઘટી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઉંચામાં ૪૨૧૮ થયા પછી નીચામાં ૪૧૮૭ થઈ ૪૨૦૦થી ૪૨૦૧ ડોલર રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૭૨૭૬ તથા ૯૯૯ના રૂ.૧૨૭૭૮૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૧૮૬૩૫૦ થઈ છેલ્લે રૂ.૧૮૫૪૮૮ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વૈશ્વિક સ્તરે બોન્ડ યીલ્ડ વધી ૧૬ વર્ષની ટોચે પહોંચી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૬૯૯ તથા નીચામાં ૧૬૬૨ થઈ ૧૬૬૭થી ૧૬૬૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૫૧૬ તતા નીચામાં ૧૪૮૯ થઈ ૧૪૯૩ થી ૧૪૯૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૪ ટકા નરમ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૧.૭૬ તથા ઉંચામાં ૬૨.૩૪ થઈ ૬૨.૨૭ ડોલર રહ્યા હતા.
ચાંદી વાયદો રૂ.૧,૯૧,૮૦૦ની ઓલ ટાઇમ હાઇ સપાટીએ
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. ૨૫૫૬૯.૯૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનું ફેબ્આરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૩૦૩૩૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૩૦૫૦૨ અને નીચામાં રૂ.૧૨૯૭૦૦ના મથાળે અથડાઈ, રૂ.૧૩૦૧૦૭ના આગલા બંધ સામે રૂ.૧૯૬ ઘટી રૂ.૧૨૯૯૧૧ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૧૩૧ ઘટી રૂ.૧૦૪૨૫૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪ ઘટી રૂ.૧૩૦૬૧ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૦ ઘટી રૂ.૧૨૮૬૬૩ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૨૯૨૭૨ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૧૨૯૫૩૯ અને નીચામાં રૂ.૧૨૮૭૩૧ના સ્તરને સ્પર્શી, રૂ.૧૨૯૧૬૬ના આગલા બંધ સામે રૂ.૧૩૬ ઘટી રૂ.૧૨૯૦૩૦ થયો હતો.

