ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટાનો દર પ્રતિ જીબી ૧૧. ૭૮ રુપિયા
વિશ્વના ૨૩૫ દેશોની સરખામણીમાં સૌથી સસ્તો
જો કે નેટવર્ક કંપનીઓ દ્વારા ડેટા દરમાં ૪૦ થી ૪૫ ટકાનો વધારો
વિશ્વમાં મોબાઇલ ડેટા પ્લાન પર વૉચ રાખનારી યૂકેની એક ડેટા કંપનીના આધારે આ જાણવા મળ્યું છે ભારતમાં ૧ ગીગાબાઇટ (જીબી) ડેટાની સરેરાશ કિંમત ૦.૨૬ ડોલર છે. પ્રતિ જીબી આ ભાવ દુનિયાના કોઇ પણ દેશની સરખામણીમાં ઓછો છે. આ માટે ડેટા કંપનીએ એક બે નહી ૨૩૫ દેશોના ડેટા પ્લાનની સરખામણી કરી છે. ભારત પછી ઇઝરાયેલનો ડેટા દર ૦.૨૭ ડોલર ૧ જીબી સાથે સસ્તો છે. જયારે બ્રિટનમાં ૬.૬૬ ડોલર, અમેરિકામાં ૧૨.૩૭ ડોલર, ગ્રીસમાં ૩૨.૭૧ ડોલર,જર્મનીમાં ૬.૯ ડોલર પ્રતિ જીબી ચુકવવા પડે છે. વિશ્વમાં પ્રતિ જીબી 75 ડોલર (રુપિયા 5000) ડેટા ઝિમ્બાબ્વે દેશમાં મળે છે જે સૌથી મોંધો છે. ભારત ૪૩ કરોડ સ્માર્ટફોન યુઝર્સ સાથે ચીન પછી વિશ્વનો બીજો ક્રમ ધરાવે છે. જો કે ચીનમાં મોબાઇલ ડેટા દર ભારત કરતા ઘણો મોંઘો છે. ચીનમાં ૯.૮૯ ડોલરમાં એટલે કે ૭૦૦ રુપિયામાં ૧ જીબી ડેટા મળે છે.
ભારતમાં છેલ્લા ૫ વર્ષ પહેલા પ્રતિ જીબી ૨૬૮.૯૭ રુપિયા વસૂલવામાં આવતા હતા તેની સરખામણીમાં વર્તમાન ડેટા દર ઓછા છે. ટ્રાઇની માહિતી મુજબ ભારતમાં ૧ જીબી ડેટા સરેરાશ ૧૧.૭૮ રુપિયામાં મળે છે. જયારે વિશ્વમાં સરેરાશ એક જીબી માટે ૬૦૦ રુપિયા ખર્ચ થાય છે. ગત મહિનાથી મોબાઇલ નેટવર્ક પુરુ પાડતી કંપનીઓએ ૩ ડિસેમ્બરથી ભારતમાં મોબાઇલ ડેટા અને કોલ દરમાં ૪૦ થી ૪૫ ટકાનો વધારો કરવાનું જાહેર કર્યુ છે આથી ભારતમાં પણ ડેટા દર મોંધો થશે.