મારુતિ કારના તમામ મોડેલમાં જૂનથી રૂ. 30 હજાર સુધીનો ભાવ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maruti Suzuki Price Hike June 2026 : જો તમે આગામી દિવસોમાં મારુતિ સુઝુકીની કોઈ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મહત્ત્વના સમાચાર છે. દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ પોતાની તમામ પ્રોડક્ટ્સ અને મોડેલ્સની કિંમતોમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. નવી કિંમતો જૂન 2026થી દેશભરમાં લાગુ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર, કારના મોડેલ અને તેના વેરિઅન્ટના આધારે કિંમતોમાં રૂપિયા 30,000 સુધીનો વધારો જોવા મળશે.
મોંઘવારીના કારણે કારનો ભાવ વધારવો પડ્યો: મારુતિ સુઝુકી
કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કાચા માલની કિંમતોમાં સતત થઈ રહેલો વધારો અને મોંઘવારીના દબાણના કારણે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે. કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી આ આર્થિક બોજ પોતે સહન કરવા માટે ખર્ચ ઘટાડવાના ઘણા આંતરિક પ્રયાસો કર્યા હતા, પરંતુ હવે પ્રતિકૂળ ખર્ચ વાતાવરણને કારણે આ વધારાનો આંશિક બોજ ગ્રાહકો પર નાખવો અનિવાર્ય બન્યો છે.
મારુતિ સુઝુકી એકમાત્ર એવી કંપની નથી જેણે ભાવ વધાર્યા છે. વર્ષ 2026માં ભારતીય પેસેન્જર વ્હીકલ ઉદ્યોગમાં લોજિસ્ટિક્સ અને કોમોડિટીના ભાવ વધારાને કારણે લાઈનસર બધી જ ઓટો કંપનીઓએ પોતાના વાહનો મોંઘા કર્યા છે.
મહિન્દ્રા કંપનીએ અગાઉ 6 એપ્રિલ 2026થી જ પોતાના એસયુવી અને કોમર્શિયલ વાહનોની રેન્જમાં સરેરાશ 1.6 ટકાથી લઈને 2.5 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકી દીધો છે.
ટાટા મોટર્સે પણ 1 એપ્રિલ 2026થી પોતાની ICE - પેટ્રોલ/ડીઝલ પેસેન્જર વ્હીકલ લાઇનઅપમાં આશરે 0.5 ટકાનો વધારો કર્યો છે.
હ્યુન્ડાઈ ઈન્ડિયાએ પણ મે 2026થી પોતાની તમામ કારોમાં આશરે 1 ટકા સુધીનો ભાવ વધારો અમલી બનાવ્યો છે.
નાની અને પ્રીમિયમ કારો પર ભાવ વધારો જુદો જુદો રહેશે
મારુતિ સુઝુકીએ વધુમાં કહ્યું છે કે તેમણે ગ્રાહકો પર આ આર્થિક બોજ શક્ય એટલો ઓછો રહે તેવા જ પ્રયાસો કર્યા છે. જો કે, એન્ટ્રી-લેવલની નાની કાર જેવી કે અલ્ટો, વેગન આર અને પ્રીમિયમ કારો જેવી કે ગ્રાન્ડ વિટારા, ઇનવિક્ટો પર આ વધારાની ચોક્કસ રકમ અલગ-અલગ હશે.
જો કોઈ ગ્રાહક મે મહિનાના બાકીના દિવસોમાં મારુતિની નવી કાર બુક કરાવે છે, તો તે જૂન મહિનાથી અમલી બનનારા આ રૂપિયા 30,000 સુધીના ભાવ વધારાથી બચી શકે છે.









