શેરબજારની સળંગ છ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો, ઓટો-આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ
Stock MarketToday: શેરબજારમાં આજે સળંગ છ દિવસની તેજીને બ્રેક વાગ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખૂલ્યા બાદ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સતત છ દિવસના સુધારા પગલે આજે સપ્તાહના અંતે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં સેન્સેક્સ 572.62 પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી 25000નું લેવલ તોડી 24903.90ના તળિયે પહોંચ્યો હતો. રોકાણકારોની મૂડીમાં લગભગ 2 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
જીએસટીના દરોમાં ઘટાડો તેમજ અમેરિકાની ટેરિફ પોલિસીનો આકરો જવાબ આપવામાં ભારતની અડગતાને પગલે શેરબજાર છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી સુધર્યા હતાં. ફાર્મા, ઓટો, આઈટી, સ્મોલકેપ સહિતના શેર્સમાં આકર્ષક ઉછાળો નોંધાયો હતો. જો કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે. પરિણામે આજે બજાર મંદ વલણ સાથે કારોબાર કરી રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીની વર્તમાન સ્થિતિ
સેન્સેક્સ 11.11 વાગ્યે 558.71 પોઈન્ટ તૂટી 81441 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 177 પોઈન્ટ તૂટી 24906 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર પાંચ BEL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સનફાર્મા, ટ્રેન્ટ, અને મારૂતિ સુઝુકીના શેર 1 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે અન્ય તમામ 25 સ્ક્રિપ્સ 1.70 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહી હતી.
એનર્જી, આઈટી અને ઓટો શેરમાં પ્રોફિટ બુકિંગ
આજે એનર્જી, આઈટી અને ઓટો શેરમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જેના પગલે બીએસઈ ખાતે એનર્જી ઈન્ડેક્સ 0.57 ટકા, એફએમસીજી 0.87 ટકા, આઈટી 0.62 ટકા, બેન્કેક્સ 0.84 ટકા, મેટલ 0.84 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.