Rule Change News: એપ્રિલ મહિનો પૂર્ણતાના આરે છે ત્યારે 1 મે, 2026થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને ખિસ્સા સુધી જોવા મળશે. મુખ્ય ફેરફારોમાં LPG સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો અને ઓનલાઇન ગેમિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આવો જાણીએ એવા પાંચ મોટા ફેરફારો વિશે જે આગામી મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે.
1. LPG સિલિન્ડરના ભાવ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખની જેમ 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે. એપ્રિલમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, તેથી 1 મેના રોજ તેમાં સુધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત, કંપનીઓ સિલિન્ડર બુકિંગના લોક-ઇન પીરિયડમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે અને OTP આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે.
2. ATF અને CNG-PNGના દરોમાં સુધારો
1 મેથી વિમાન ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ(ATF)ના નવા ભાવ જાહેર થશે. એપ્રિલની શરૂઆતમાં ભાવ બમણા થયા બાદ ફરી પાછા ખેંચાયા હતા, પરંતુ હવે તેમાં નવો સુધારો આવી શકે છે. ATFની સાથે જ CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે, જે વાહનચાલકો અને પાઇપલાઇન ગેસ વાપરતા ગ્રાહકોને અસર કરશે.
3. SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો બદલાવ
SBI કાર્ડ યુઝર્સ માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 મેથી ₹100થી ₹500 સુધીના બાકી રકમ માટે લેટ પેમેન્ટ ચાર્જ ₹100 અને ₹500થી ₹1,000 સુધીના બાકી માટે ₹500 કરી દેવામાં આવશે. આ ઉપરાંત, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર ₹499ની એન્યુઅલ ફી માફી માટેનો વાર્ષિક ખર્ચ મર્યાદા ₹50,000થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે.
4. ઓનલાઇન ગેમિંગ માટે નવા કાયદા
ઓનલાઇન ગેમિંગ સેક્ટર પર નજર રાખવા માટે સરકાર 'ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા' (OGAI)નું ગઠન કરી રહી છે. નવા નિયમો હેઠળ ઓનલાઇન ગેમ્સને મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઇ-સ્પોર્ટ્સ એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે. પૈસા સાથે સંકળાયેલી ગેમ રમતા પ્લેટફોર્મ્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે અને યુઝર્સના નાણાકીય વ્યવહારો પર કડક નજર રાખવામાં આવશે.
આ પણ વાંચો: સોનાની રોકાણ માંગ 54 ટકા વધી, જ્વેલરીમાં પીછેહઠ
5. e-KYC અપડેટ કરવાની છેલ્લી તક
બેન્ક ગ્રાહકો માટે e-KYC અપડેટ કરવાની સમયસીમા 1 મે સુધીની છે. જો તમારું KYC અધૂરું હશે તો બેન્ક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવી શકે છે. ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે બેન્ક શાખા, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપ દ્વારા તાત્કાલિક પોતાની વિગતો અપડેટ કરાવી લેવી જરૂરી છે.


