વોડાફોન આઈડિયામાં રોકાણ ધરાવતા મ્યુ. ફંડોના રૂ. 4500 કરોડ ફસાયા
-વોડાફોનના શેરમાં ૩૯ ટકાનું ગાબડું નોંધાતા ફંડોના અંદાજે રૂ. ૪૧૯ કરોડનું ધોવાણ
મુંબઈ, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
વોડાફોન આઈડિયાના કોર્પોરેટ પેપર્સ અને શેર્સમાં રોકાણ કરી ચૂકેલા મ્યુચ્યુઅલ ફન્ડો સામે ભારે ખોટનું જોખમ તોળાઈ રહ્યું છે. એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) સંદર્ભમાં ટેલિકોમ કંપનીઓની રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા કંપનીઓએ સરકારને જંગી રકમ ચૂકવવાની રહે છે.
સરકારને ચૂકવવાની આવતી રકમ ઊભી કરવાની કંપનીઓની ક્ષમતા અને બજારમાંથી ઉપાડેલા નાણાં રિપે કરવાની તેમની શક્તિ પર ટેલિકોમ કંપનીઓના ભાવિનો આધાર રહેલો છે.
એક અંદાજ પ્રમાણે વોડાફોન આઈડિયાએ સરકારને રૂપિયા ૫૩૦૦૦ કરોડ ચૂકવવાના રહે છે. આ ઉપરાંત નાણાં વર્ષ ૨૦૧૯ના અંતે કંપનીના માથે રૂપિયા ૧.૧૫ લાખ કરોડનો દેવાબોજ હતો.
એક મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસે વોડાફોન આઈડિયામાં રહેલા પોતાના રોકાણને માર્કડ ડાઉન કરીને શૂન્ય કરી નાખ્યું છે. વોડાફોન આઈડિયાના પેપર્સ ધરાવતી સ્કીમ્સમાં પણ પોતાના નવા ઈન્ફલોઝને ફન્ડ હાઉસે મર્યાદિત બનાવી દીધું છે.
વોડાફોન આઈડિયાએ મોટી માત્રામાં રકમ ચૂકવવાની આવતી હોવાથી તેમાં રહેલા અમારા રોકાણને લઈને ભારે અનિશ્ચિતતા ઊભી થઈ છે એમ ફન્ડ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું.
૧૬ જાન્યુઆરીના રોજ વોડાફોન આઈડિયામાં મ્યુચ્યુઅલ ફન્ડોનું ઋણ સાધનમાં અંદાજે રૂપિયા ૪૫૦૦ કરોડ અને ઈક્વિટીમાં રૂપિયા ૧૦૭૬ કરોડનું રોકાણ હતું. શુક્રવારે વોડાફોન આઈડિયાના શેરભાવમાં ૩૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેને કારણે ફન્ડો દ્વારા ધરાવાતા તેના શેર્સના મૂલ્યમાં રૂપિયા ૪૧૯ કરોડનું ધોવાણ થયાનો અંદાજ છે.