Get The App

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક 1 - image


LPG Booking New Rules: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા બજારમાં સર્જાયેલી અનિશ્ચિતતાની સીધી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. ઈઝરાયલ, અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ઊભા થયેલા પુરવઠાના અવરોધોને પહોંચી વળવા માટે સરકારી ઓઇલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમમાં ફેરફાર કર્યો છે.

શું બદલાયો નિયમ?

અત્યાર સુધી ગ્રાહકો સામાન્ય રીતે 15 દિવસના અંતરાલ પછી બીજું સિલિન્ડર બુક કરાવી શકતા હતા. પરંતુ હવે 21 દિવસનો 'લોક-ઈન પિરિયડ' ફરજિયાત કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકો અગાઉના સિલિન્ડરની ડિલિવરી લીધાના ઓછામાં ઓછા 21 દિવસ પછી જ નવું સિલિન્ડર બુક કરાવી શકશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ 'પેનિક બુકિંગ' અને હોર્ડિંગ અટકાવવાનો છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને સમયસર ગેસ મળી રહે.

આ પણ વાંચો: બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો

શા માટે લેવાયો આ નિર્ણય?

ઈરાન અને સમગ્ર મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે દરિયાઈ વેપાર માર્ગો પર જોખમ વધી રહ્યું છે. જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે લોકો ભવિષ્યમાં અછત સર્જાશે તેવા ડરથી જરૂરિયાત કરતા વધુ સિલિન્ડર બુક કરાવવા લાગે છે. આનાથી વિતરણ પ્રણાલી પર અચાનક ભાર વધે છે અને બજારમાં કૃત્રિમ અછત સર્જાય છે. ઓઇલ કંપનીઓએ આ પરિસ્થિતિને ટાળવા માટે સોફ્ટવેરમાં ફેરફાર કરીને બુકિંગ સમય મર્યાદા વધારી દીધી છે.

કિંમતોમાં પણ થયો વધારો

નોંધનીય છે કે, સાતમી માર્ચ 2026થી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં પણ અંદાજે 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં થયેલા ઉછાળાને કારણે 11 મહિના બાદ પ્રથમ વખત આ ભાવવધારો ઝીંકાયો છે.

ગ્રાહકો માટે જરૂરી સૂચના

ગેસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી કારણ કે દેશમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જો તમારી પાસે ડબલ સિલિન્ડર કનેક્શન છે, તો પણ તમારે રિફિલ માટે નિર્ધારિત અંતરાલનું પાલન કરવું પડશે. ડિલિવરી સમયે આવતો DAC આપવો હવે વધુ અનિવાર્ય બનશે જેથી પારદર્શિતા જળવાઈ રહે.