Business

જિઓ પ્લેટફોર્મ્સના IPO ની ધમાકેદાર એન્ટ્રી, 35 મિનિટમાં જ ફુલ સબસ્ક્રાઇબ, ગ્રે માર્કેટમાં પણ તેજી

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
જિઓ પ્લેટફોર્મ્સનો IPO ખુલતાની સાથે જ 35 મિનિટમાં સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ગયો. NSE પર 19.75 કરોડ શેર્સ સામે 20.03 કરોડ શેર્સની માંગ નોંધાઈ. QIBs માટેનો હિસ્સો 28 મિનિટમાં 2 ગણો ભરાયો. 21 ઓક્ટોબરે ખુલેલો આ IPO 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે અને 28 ઓક્ટોબરે લિસ્ટ થશે. GMP ₹273 પ્રીમિયમ પર પહોંચ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિઓ પ્લેટફોર્મ્સના IPO ની ધમાકેદાર એન્ટ્રી, 35 મિનિટમાં જ ફુલ સબસ્ક્રાઇબ, ગ્રે માર્કેટમાં પણ તેજી

Jio IPO : ભારતીય શેરબજારમાં ટેલિકોમ અને ડિજિટલ ક્ષેત્રની દિગ્ગજ કંપની જિઓ પ્લેટફોર્મ્સનો આઈપીઓ (IPO) ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. માર્કેટમાં આવતાની સાથે જ આ આઈપીઓ છવાઈ ગયો હતો અને માત્ર 35 મિનિટની અંદર જ આખું આઈપીઓ ફુલ સબસ્ક્રાઇબ થઈ ગયું હતું.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના સવારના 10:35 વાગ્યા સુધીના આંકડાઓ અનુસાર, કંપની દ્વારા જારી કરાયેલા 19.75 કરોડ શેર્સ સામે કુલ 20.03 કરોડ શેર્સની જબરજસ્ત ડિમાન્ડ નોંધાઈ છે, જેના પગલે સમગ્ર આઈપીઓ 1.01 ગણો ભરાઈ ચૂક્યો છે.

કંપનીએ પોતાના આઈપીઓમાં 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIBs) માટે સુરક્ષિત રાખ્યો હતો, જેને લઈને રોકાણકારોમાં પડાપડી જોવા મળી હતી. QIBs નો આ હિસ્સો માત્ર 28 મિનિટમાં જ બે ગણો ભરાઈ ગયો હતો અને બાદમાં તે વધીને 3.25 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ આઈપીઓ 21 ઓક્ટોબરે ખુલ્લો મુકાયો છે અને તે 23 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે, જ્યારે આગામી 28ઓક્ટોબરે તેને શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે. આ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹1065 થી ₹1119 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

આઈપીઓ ખુલ્લો મુકતા અગાઉ જ 19 ઓક્ટોબરના રોજ જિઓ પ્લેટફોર્મ્સએ 212 એન્કર રોકાણકારો પાસેથી ₹8109.84 કરોડ રૂપિયા એકત્ર કરી લીધા હતા. આ એન્કર રોકાણકારોમાં બ્લેકરોક, કેપિટલ ગ્રુપ, ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ, જેપી મોર્ગન તેમજ સિંગાપોર, અબુ ધાબી, કતર, કેલિફોર્નિયા અને ફ્લોરિડા જેવા દેશો અને શહેરોના સરકારી પેશન ફંડ્સ પણ સામેલ છે. એન્કર રોકાણકારો તરફથી આશરે ₹2.5 લાખ કરોડ સુધીની માગ પહોંચી હતી, જે ભારતીય આઈપીઓ ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ છે.

બીજી બાજુ, ગ્રે માર્કેટમાં પણ જિઓના આઈપીઓની ધાક જોવા મળી રહી છે. આઈપીઓનું જીએમપી (GMP) સવારે આશરે 24 ટકા વધીને ₹273 ના પ્રીમિયમ સુધી પહોંચી ગયું છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે લિસ્ટિંગના સમયે જ રોકાણકારોને આશરે 24.4 ટકા સુધીનું આકર્ષક રિટર્ન મળી શકે છે અને પ્રતિ શેર ₹273 નો સીધો ફાયદો થઈ શકે છે.