Get The App

સોનાની ખરીદી બંધ કરવાની અપીલને કારણે જ્વેલરી શેરોમાં પડેલા ગાબડા

- ટાઇટન, સેન્કો ગોલ્ડ, કલ્યાણ જ્વેલર્સ અને અન્ય કંપનીઓના શેરમાં ૧૦% સુધીનો ઘટાડો

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
સોનાની ખરીદી બંધ કરવાની અપીલને કારણે જ્વેલરી શેરોમાં પડેલા ગાબડા 1 - image

અમદાવાદ : લગ્નની મોસમ દરમિયાન આજે જ્વેલરી કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ ટાઇટન, સેન્કો ગોલ્ડ, કલ્યાણ જ્વેલર્સ અને અન્ય કંપનીઓના શેરમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. વડા પ્રધાનની એક અપીલને કારણે જ્વેલરી શેરોમાં ઘટાડો થયો છે. 

વડાપ્રધાને નાગરિકોને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે એક વર્ષ સુધી સોનું ખરીદવાથી દૂર રહેવાની અપીલ કરી છે. ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. ગયા નાણાકીય વર્ષમાં, ભારતે દર મહિને આશરે ૬૦ ટન સોનું આયાત કર્યું હતું, જે દર મહિને આશરે ૬ બિલિયન ડોલર સોનાની આયાત થાય છે.

સેન્કો ગોલ્ડના શેરમાં ૧૦% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જે બીએસઈ પર રૂ. ૩૨૫.૨૫ પર બંધ થયો. પાછલા સત્રમાં તે રૂા. ૩૬૫.૪૫ પર બંધ થયો હતો અને આજે રૂા. ૩૪૯ના નીચા મથાળા પર ખુલ્યો હતો. કામકાજના અંતે ૯ ટકા તૂટી ૩૩૪ની સપાટીએ બંધ રહ્યો હતો.

કલ્યાણ જ્વેલર્સના શેર ૯% થી વધુ ઘટયા હતા. પાછલા સત્રમાં તે રૂા. ૪૨૪.૬૫ પર બંધ થયો અને આજે રૂા. ૪૦૯.૦૫ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે ૯.૫% થી વધુ ઘટીને રૂા. ૩૮૨.૨૦ પર ઉતરી આવ્યો હતો. કામકાજના અંતે ૯ ટકા તૂટી ૩૮૫.૪૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

ટાટા ગુ્રપની કંપની ટાઇટનના શેર પાછલા સત્રમાં તે રૂા. ૪,૫૧૩ પર બંધ થયો અને આજે ૪,૩૫૦ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, તે લગભગ ૮% ઘટીને રૂા. ૪,૧૫૧.૪૦ પર ઉતરી આવ્યો હતો. કામકાજના અંતે ૭ ટકા તૂટી ૪૨૦૫.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

આ ઉપરાંત આજે કામકાજના અંતે પીસી જ્વેલર્સનો શેર ૫ ટકા તૂટી રૂ.૯, પીએન ગાડગીલ ૮ ટકા તૂટીને ૬૬૬.૯૫ તથા થંગામૈલ જ્વેલરીનો શેર ૬ ટકા તૂટીને ૪૦૦૬ની સપાટીએ બંધ રહ્યો હતો.

વડાપ્રઘાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં સોનાની આયાત દબાણ હેઠળ છે. રોઇટર્સના મતે, એપ્રિલમાં સોનાની આયાત માત્ર ૧૫ ટન રહેવાની ધારણા છે, જે લગભગ ત્રણ દાયકામાં સૌથી ઓછી છે. આનું કારણ એ છે કે બેંકોએ સોનાની આયાત બંધ કરી દીધી છે કારણ કે સરકારે તેમની પાસેથી ૩% ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું છે.