આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ, જાણો તમને મૂંઝવતા દરેક સવાલના જવાબ
ITR Filling: આજે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો અંતિમ દિવસ છે. આકરણી વર્ષ 2025-26 માટે આઈટીઆર ફાઈલિંગની ડેડલાઈન અગાઉ 31 જુલાઈ હતી. જે બાદમાં લંબાવી 15 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. કરદાતાઓને વધારાનો સમય આપ્યો હોવા છતાં હજી ઘણા લોકો આઈટીઆર ફાઈલ કરી શક્યા નથી.
આજે અંતિમ દિવસે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આઈટીઆર ફાઈલિંગનો ટ્રાફિક અનેકગણો વધ્યો છે. આજે અંતિમ દિવસે 1 કરોડથી વધુ કરદાતાઓ આઈટીઆર ફાઈલ કરી શકે છે. ગતવર્ષે અંતિમ દિવસે 70 લાખ લોકોએ ઈ-ફાઈલિંગ સિસ્ટમમાં આઈટીઆર પાઈલ કર્યું હતું. આ વર્ષે પણ અંતિમ દિવસે મોટી સંખ્યામાં આઈટીઆર ફાઈલિંગ જોવા મળી શકે છે. એડવાન્સ ટેક્સનો બીજો હપ્તો ચૂકવવા માટેની અંતિમ તારીખ સાથે આ વર્ષની ફાઈલિંગ ડેડલાઈન ક્લેશ થઈ છે. જેથી ઘણા પગારદારો અને ધંધાર્થીઓ માટે એક જ સમયે બે ટાસ્કને મેનેજ કરવા પડ્યા છે. તેઓ રિટર્ન ફાઈલિંગ પ્રક્રિયા તેમજ કટ-ઓફ પહેલાં એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરી રહ્યા છે.
આઈટીઆર ફાઈલિંગ સમયે મૂંઝવતાં પ્રશ્નો
કરદાતાઓ પોતાની આવકના સ્રોતના આધારે આઈટીઆર ફોર્મની પસંદગી કરતા હોય છે. આઈટીઆર-1 એ રૂ. 50 લાખ સુધીની આવક માટે, જ્યારે બિઝનેસ માલિકો અને પ્રોફેશનલ્સ આઈટીઆર-3 અથવા આઈટીઆર-4 ફોર્મની મદદથી રિટર્ન ફાઈલ કરી શકે છે. રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ખાસ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. જો કે, ફોર્મ-16, ટીડીએસ સર્ટિફિકેટ, બેન્ક વિગતો, રોકાણના પુરાવા, અને કેપિટલ ગેઈન રિપોર્ટ જેવા ડોક્યુમેન્ટ હાથવગા રાખવા જોઈએ.
આ પણ વાંચોઃ ITR ફાઈલ કરવાની તારીખ લંબાવાઈ કે નહીં? ઈન્કમ ટેક્સ વિભાગની લેટેસ્ટ અપડેટ જાણી લો
જો ડેડલાઈન ચૂકી ગયા તો...
આઈટીઆર ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા તો ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 234 (એફ) હેઠળ લેટ ફી ચૂકવવી પડશે. જે કરદાતાની આવક રૂ. 5 લાખથી વધુ હોય તેઓએ રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી આવક ધરાવતા હોય તો રૂ. 1000 લેટ ફી પેટે ચૂકવવા પડશે. વધુમાં અમુક કપાતના લાભો પણ ચૂકી શકો છો. તેમજ કરચોરીના કેસમાં કાર્યવાહીનો ભોગ પણ બની શકો છો.
રિફંડ અને કપાત
કરદાતાઓને જરૂર કરતાં વધુ ટેક્સ ચૂકવવા પર રિફંડ મળવાપાત્ર છે. જે સીધુ બેન્ક ખાતામાં જમા થાય છે. તદુપરાંત 80C અને 80G સહિત વિવિધ કલમો હેઠળ કપાત પણ મળે છે. જેનો દાવો આઈટીઆર ફાઈલિંગ સમયે કરી શકો છો. જો કે, તે તમારી કુલ આવક કરતાં વધુ હોવુ જોઈએ નહીં. કલમ 80A હેઠળ નીચા અને મધ્યમવર્ગના કરદાતાઓને રિબેટ પણ મળે છે. જૂની કર પદ્ધતિમાં રૂ. 5 લાખ સુધીની આવક પર રૂ. 12500 સુધીનું જ્યારે નવી કર પદ્ધતિ હેઠળ રૂ. 7 લાખ સુધીની આવક પર રૂ. 25000 સુધીનું રિબેટ મળે છે.
સમયસર ટેક્સ ફાઈલ કરવાના લાભ
સમયસર આઈટીઆર ફાઈલ કરવાના અનેક લાભ મળે છે. એક તો રિફંડ સમયસર અને વહેલી તકે બેન્ક ખાતામાં જમા થઈ જાય છે. ફાઈલિંગ એ વિકલ્પ નથી. આઈટીઆર ફાઈલિંગથી બેન્ક લોન, ફાઈનાન્સ સંબંધિત, વિદેશ પ્રવાસ સહિતના કામકાજ સરળતાથી પાર પડે છે. ટેક્સેબલ આવક ધરાવતા કરદાતાઓ કરચોરી કરે તો પેનલ્ટી તેમજ કાયદાકીય કાર્યવાહીનો ભોગ બની શકે છે. સમયસર આઈટીઆર ફાઈલિંગથી કરદાતાના ફાઈનાન્સિયલ રેકોર્ડ પારદર્શક રહે છે.