નવી મોસમમાં ભારત ખાંડનો નિકાસ કવોટા પચાસ ટકા ઘટાડી દેશે તેવી ધારણા
- વાર્ષિક ઘરેલુ માગ કરતા ખાંડનું ઉત્પાદન ઊંચુ રહેવા અંદાજ

મુંબઈ : ઓકટોબરથી શરૂ થનારી નવી માર્કેટિંગ મોસમમાં દેશના ખાંડ ઉત્પાદનમાં સૂચિત ઘટાડાને ધ્યાનમાં રાખતા નવી મોસમમાં ભારત ખાંડનો નિકાસ કવોટા પચાસ ટકા ઘટાડી દેશે તેવી ટ્રેડરો ધારણાં મૂકી રહ્યા છે. વાર્ષિક ઘરેલું વપરાશ કરતા ખાંડનું ઉત્પાદન નવા વર્ષમાં સામાન્ય પ્રમાણે ઊંચુ જ રહેવા અંદાજ છે.
ઘરઆંગણે ખાંડના પૂરતા સ્ટોકસને ધ્યાનમાં રાખતા સ્થાનિક સ્તરે ભાવ વધવાની શકયતા નહીં હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. ૨૦૨૧-૨૨ની મોસમમાં દેશનો ખાંડ નિકાસ આંક ૧.૧૦ કરોડ ટન્સ રહ્યો હતો જ્યારે ચાલુ મહિનાના અંતે સમાપ્ત થનારી વર્તમાન મોસમમાં ૬૧ લાખ ટન ખાંડ નિકાસની છૂટ આપવામાં આવી હતી.
વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન ૩.૩૦ કરોડ ટન્સ રહ્યાનો અંદાજ છે.
મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં ચોમાસાની નબળાઈને કારણે શેરડીના પાક પર અસર જોવા મળી રહી છે.નવી મોસમ માટે ખાંડ નિકાસ કવોટા જાન્યુઆરીમાં જાહેર થવા વકી છે ત્યારે, કવોટામાં ઘટાડો થવાની ટ્રેડરો ધારણાં મૂકી રહ્યા છે.
સામાન્ય રીતે સરકાર મોસમના પ્રારંભ પહેલા જ નિકાસ કવોટા જાહેર કરી દેતી હોય છે, પરંતુ ખાંડના ઉત્પાદનની પ્રગતિ જોઈને સરકાર નિકાસ કવોટા જાહેર કરવા યોજના ધરાવે છે.
૨૦૨૩-૨૪ (ઓકટોબર-સપ્ટેમ્બર)ની નવી મોસમમાં ખાંડનું ઉત્પાદન ૩.૬૨ કરોડ ટન્સ રહેવા ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. આમાંથી ૪૫ લાખ ટન્સ ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વાળવાના ટાર્ગેટને ધ્યાનમાં રાખતા વપરાશ માટે ૩.૧૭ કરોડ ટન્સ ખાંડ ઉપલબ્ધ રહેશે એમ પણ ઈસ્માના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું.

