- સેન્ટ્રલ બેન્કના વડાએ આપેલું રાજીનામુ: મોંઘવારી, ફુગાવો, બેકારીથી પ્રજાત્રસ્ત
- 1 રૂપિયો=468.64 રિયાલ
- સત્તાવાર રીતે જ જાહેર કરાયું છે કે ડિસેમ્બરમાં ફુગાવો 42.2 ટકા પહોંચ્યો હતો. જે ગત વર્ષના પ્રમાણમાં 72 ટકા જેટલો વધુ હતો. દવાઓની કિંમત 50 ટકા વધી હતી
Iran Curruncy News : ઈરાનમાં છેલ્લાં 3 વર્ષથી ધગી રહેલો જનઆક્રોશનો જ્વાળામુખી સોમવારે ધડાકા સાથે ફાટયો હતો. તેલ પર તરતા આ દેશમાં કરન્સી રીયાલ એક ડોલર સામે 42 હજાર રીયાલ જેટલી તૂટી હતી. સેન્ટ્રલ બેન્કના વડાએ તેમના પદનું ત્યાગપત્ર આપી દીધું હતું. દેશની ખેદાન-મેદાન સમાન થઈ રહેલી આર્થિક સ્થિતિએ જનસામાન્યનાં અર્થતંત્રોને ખતમ કરી નાખ્યાં હતા.
ગુસ્સે થયેલી આમજનતા સાથે નાના વેપારીઓ અને દુકાનદારો પણ શેરીઓમાં ઉતરી આવ્યા હતા. પાટનગર તહેરાન અન્ય મોટાં શહેર ઈરફહાન, સહિત દેશભરમાં વ્યાપક રમખાણો શરૂ થઈ ગયા હતાં. તે સાબિત કરે છે કે જનસામાન્યની હતાશા રાજકારણને પણ વટાવી ગઈ છે. તહેરાનની ઐતિહાસિક 'ગ્રાન્ડ બઝાર' પાસેનો સમૃદ્ધ વિસ્તાર પોલીસ અને દેખાવકારો વચ્ચેનું સમરાંગણ બની ગયો હતો. તહેરાનનો આક્રોશ ઈસ્ફહાત, શિરાઝ અને મશદ સહિત અનેક શહેરોમાં વ્યાપી ગયો હતો. દુકાનદારોએ શટર્સ પાડી દીધાં હતાં અને અન્યોને પણ હડતાળમાં જોડાવા એલાન કર્યું હતું.
કરન્સી તૂટી જતાં, સામાન્ય વેપારીઓની તો કમર તૂટી ગઈ છે. કરન્સી કૂદકે ને ભૂસકે ગબડતી જાય છે. રવિવારે તો એક ડોલર દીઠ 1.42 મિલિયન પહોંચી હતી. સોમવારે થોડી રીકવરી થઈ 1.38 મિલિયન જેટલી જ ઊંચી આવી.
મોહમ્મદ સેકા ફર્ઝીન 2022માં સેન્ટ્રલ બેન્કના ગવર્નર થયા ત્યારે 1 ડોલર બરોબર 4.3 લાખ રીયાલ હતા. તેઓનું રાજીનામું દર્શાવે છે કે આટલા ટૂંકા ગાળામાં અર્થતંત્ર કેટલી હદે ભાંગી પડયું છે.
રિયાલ તૂટતાં કરિયાણાથી દવાઓ સુધી દરેક ચીજો મોંઘી બની ગઈ છે. સત્તાવાર રીતે જ જાહેર કરાયું છે કે ડીસેમ્બરમાં ફુગાવો 42.2 ટકા પહોંચ્યો હતો. જે ગત વર્ષના પ્રમાણમાં 72 ટકા જેટલો વધુ હતો. દવાઓની કિંમત 50 ટકા વધી હતી. 'હાઈપર ઈન્ફલેશનને લીધે ફ્યુએલ પ્રાઇસ હાથ બહાર ગઈ છે.'
એવા અહેવાલો પણ વહેતા થયા છે કે, માર્ચ 21 મીથી શરૂ થતાં નવા વર્ષથી ટેક્ષ વધારાશે તેથી લોકો ઘાંઘાં થઈ ગયા છે.
આ સાથે દેશભરમાં વ્યાપક રમખાણો શરૂ થઈ ગયા છે. પોલીસ તેમને રોકવા ગઈ ત્યારે પોલીસ સાથે તેમને ભારે ઝપાઝપી શરૂ થઈ હતી. ટીયર ગેસ અને લાઠીચાર્જ પછી પણ રમખાણો કાબુમાં ન આવતાં પોલીસે ગોળીબાર કરવો પડયો હતો. જેમાં કેટલાકના મૃત્યુ થયાં છે અને કેટલાંક ઘાયલ થયા છે તેના આંકડા મળતા નથી.


