Get The App

ઇન્ડિગોના શેરમાં સતત પીછેહઠ થતા રોકાણકારોના રૂ.45,000 કરોડનું ધોવાણ

- વિવિધ બ્રોકરેજ પેઢીઓએ શેરોના ટારગેટ ભાવ ઘટાડયા

- સરકાર અને એજન્સીઓની તપાસની લટકતી તલવાર

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
ઇન્ડિગોના શેરમાં સતત પીછેહઠ થતા રોકાણકારોના રૂ.45,000 કરોડનું ધોવાણ 1 - image


અમદાવાદ : ભારતીય એવિયેશન સેક્ટરની સૌથી મોટી કટોકટીમાંની એક ઈન્ડિગોના ઓપરેશનમાં થયેલ ભારે ઉથલપાથાલને કારણે માત્ર હવાઈ મુસાફરોને જ નહિ પરંતુ આ કંપનીમાં રોકાણ ધરાવતા ઈન્વેસ્ટરોને પણ ભારે ફટકો પડયો છે. છેલ્લા સાત ટ્રેડિંગ સેશનથી દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોના શેરમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. જેના કારણે રોકાણકારોના રૂ.૪૫,૦૦૦ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.

એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ તરફથી શો કોઝ નોટિસ અને અન્ય ખાતાકીય તપાસની સાથે રેટિંગ એજન્સીઓના ડાઉનગ્રેડના ભયના કારણે આજે નવા સપ્તાહના પ્રથમ સત્રમાં પણ ઈન્ડિગોને ઓપરેટ કરતી કંપની ઈન્ટરગ્લોબ એવિયેશનના શેરમાં વધુ ૮.૨૮ ટકાનો કડાકો જોવા મળ્યો છે. એક સપ્તાહ અગાઉ ૬૦૦૦ રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહેલ શેરભાવ આજે રૂ. ૪૮૪૨.૨૦ સુધી ઘટયો છે.

ભારતના એવિયેશન માર્કેટમાં ૬૬ ટકા બજાર હિસ્સા સાથે એકહથ્થુ શાસન ધરાવતી ઈન્ટરગ્લોબ એવિયેશનની માર્કેટ કેપ. હવે ઘટીને રૂ. ૧ લાખ ૯૦ હજાર કરોડ થઈ છે. સાત દિવસમાં શેરમાં આવેલા કડાકાને કારણે રોકાણકારોના રૂ. ૪૫,૦૦૦ કરોડ ધોવાઈ ગયા છે.

ગત સપ્તાહના અંતે રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઇનની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે કારણદર્શક નોટિસ જારી કરી છે. તપાસનો ગાળિયો કસાશે તો એરલાઈનના કોમ્પલાયન્સ ખર્ચમાં વધારો થઈ શકે છે. આ સિવાય સરકાર વિરોધનો વંટોળ જોતા એરલાઇન પર કામચલાઉ સંચાલન પ્રતિબંધો પણ આગામી સપ્તાહ સુધીમાં લાદી શકે છે, જેણે રોકાણકારોની ચિંતા વધારતા શેરભાવમાં કડાકો આવ્યો છે. સરકાર તરફથી સિવિલ એવિયેશન વિભાગે પણ તપાસના અનેક દોર શરૂ કર્યા છે.

 ઘણી બ્રોકરેજ કંપનીઓએ શેરોના ભાવનો ટારગેટ તાજેતરમાં ઘટાડી દેતાં તેની ઈમ્પેકટ પણ શેરબજાર  પર પડી હતી. એક બ્રોકરેજ પેઢીએ શેરના ભાવનો ટારગેટ ઘટાડી રૂ.૪૦૪૦નો મૂક્યો છે. 

Tags :