નવા લિસ્ટેડ શેરોમાં રોકાણકારોને ફાયદો જો કે શેર બજારમાં નુકસાન
- ૨૦૧૯માં આઈપીઓ થકી લિસ્ટેડ થયેલા શેરોમાં ૯૦ ટકા શેરોમાં મળેલું પોઝિટિવ રિટર્ન
ચાલુ કેલેન્ડર વર્ષમાં
અમદાવાદ, તા. 23 ડિસેમ્બર 2019, સોમવાર
૨૦૧૯નું કેલેન્ડર વર્ષ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ વર્ષ દરમિયાન શેરબજારમાં ભારે ઊથલપાથલ જોવા મળી છે. વિદેશી રોકાણકારોની સ્ટોક સ્પેસીફીક નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સે અને એનએસઇ નિફ્ટીએ નવા વિક્રમ રચ્યા છે. તો બીજી તરફ વિવિધ પ્રતિકૂળ અહેવાલોના પગલે બજારમાં ઉદ્ભવેલ વોલેટાલિટીના પગલે રીટેલ રોકાણકારોને સરવાળે નુકસાન જ થયું છે. સેન્સેક્સમાં વાર્ષિક ૧૩ ટકા જેટલું પોઝિટીવ રિટર્ન મળ્યું છે પણ સ્મોલકેપ અને મિડકેપમાં નેગેટીવ રિટર્ન મળ્યું છે.
બીજી તરફ ૨૦૧૯ના વર્ષમાં આઈપીઓ એટલે કે પ્રાઈમરી માર્કેટ રોકાણકારો માટે લાભદાયક પૂરવાર થયું છે. ૨૦૧૯ના વર્ષમાં આઈપીઓ લાવ્યા બાદ બજારમાં લિસ્ટેડ થનાર ૯૨ ટકા જેટલી કંપનીઓના શેરમાં રોકાણકારોને પ્રંચડ ફાયદો થયો છે. તેમાં વળી તાજેતરમાં બે બેંકના આઈપીઓમાં તો રોકાણકારોને તોતિંગ લિસ્ટિંગ ગેઇન મળ્યો હતો. ચાલુ વર્ષે લિસ્ટેડ થયેલા શેરો પૈકી આઠ શેરમાં રોકાણકારોને ૪૦થી લઇને ૧૭૦ ટકા સુધીનો ફાયદો થયો છે.
૨૦૧૯ના કેલેન્ડર વર્ષમાં જે આઈપીઓમાં રોકાણકારોને તગડું વળતર મળ્યું છે. તેમાં પ્રથમ ક્રમે સરકાર હસ્તકની IRCTCકંપની આવે છે. આ કંપનીના શેરનું લિસ્ટિંગ થયા બાદ અત્યાર સુધીમાં તેમાં ૧૭૧ ટકાનું તોતિંગ વળતર મળ્યું છે. જ્યારે ઇન્ડિયા માર્ટ ઇન્ટરકોશમાં ૧૧૭ ટકા, એફેલમાં ૧૦૧ ટકા, પોલીકેબમાં ૮૫ ટકા અને નીઓજેન કેમિકલ્સમાં ૬૦ ટકા રિટર્ન મળ્યું છે.
૨૦૧૯માં ૧૩ કંપનીના શેર લિસ્ટેડ થયા હતા. જે પૈકી આઠમાં ૩૮ ટકાથી વધુ અને ચાર કંપનીમાં ૮થી ૧૯ ટકા જેટલું રિટર્ન મળ્યું છે. વર્ષ દરમિયાન સ્ટર્લીંગ એન્ડ વિલ્સન સોલર કંપનીના આઈપીઓમાં ૬૫ ટકા સુધીનું નેગેટીવ રિટર્ન મળ્યું છે.
સ્ટર્લીંગ-વિલ્સન સોલાર કંપનીને બાદ કરતા ૧૨ કંપની દ્વારા આઈપીઓ થકી રૂ. ૮૩૬૨ કરોડ ઉભા કરાયા હતા. જેનું મૂલ્ય હાલ ૫૦ ટકા વધીને રૂ. ૧૨૫૮૧ કરોડ પહોંચ્યું છે.
આમ, ૨૦૧૯ના કેલેન્ડર વર્ષમાં નવા લિસ્ટેડ શેરોમાં રોકાણકારોને ફાયદો થયો છે. જ્યારે શેરબજારમાં એકંદરે નુકસાન થવા પામ્યું છે.