નવેમ્બર માસમાં વીમા કંપનીઓની પ્રીમિયમ આવકમાં 20 ટકાનો વધારો
- ગત મહિને પોલિસીનું વેચાણ પણ ૪૮ ટકા જેટલું વધીને ૨૨ લાખ પહોંચી ગયું

મુંબઈ : વર્તમાન વર્ષમાં નવેમ્બરમાં વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક પહેલી જ વખત વીસ ટકાથી વધુ જોવા મળી છે. ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે આ વૃદ્ધિ જોવા મળી છે. વીમા પ્રીમિયમ પરનો જીએસટી દર ૧૮ ટકા પરથી ઘટાડી શૂન્ય કરાયો છે. પોલિસીના વેચાણની સંખ્યા પણ વાર્ષિક ધોરણે ૪૮ ટકાથી વધુ વધી છે.
જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ગત મહિને ૨૩ ટકા વધી રૂપિયા ૩૧૧૧૯.૬૦ કરોડ રહી છે જ્યારે નોન-લાઈફ ઈન્સ્યૂરન્સ કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ આવક વાર્ષિક ધોરણે ૨૪.૧૭ ટકા વધી રૂપિયા ૨૬૮૯૭.૪૦ કરોડ રહી હોવાનું લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા જણાવે છે.
સરકાર હસ્તકની લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૩૫ ટકા વધારો થઈને રૂપિયા ૧૫૮૬૯.૭૧ કરોડ રહ્યું છે. જ્યારે ખાનગી જીવન વીમા કંપનીઓમાં આ આંક ૧૨.૫૦ ટકા વધી રૂપિયા ૧૫૨૪૯.૯૩ કરોડ રહ્યો છે.
વ્યક્તિગત પોલિસી પેટેના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૨૬.૪૦ ટકા વધી રૂપિયા ૧૪૯૩૯ કરોડ રહી છે જ્યારે ગુ્રપ બિઝનેસ પ્રીમિયમ આવક ૪૯ ટકા વધી રૂપિયા ૧૬૧૮૦.૨૫ કરોડ રહી હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે.
વીમા પોલિસીઓનું વેચાણ પણ નવેમ્બરમાં ૪૮.૪૪ ટકા વધી ૨૨ લાખ રહ્યું હતું. નવેમ્બરના ઊંચા આંકને કારણે એપ્રિલથી ઓકટોબરમાં પોલિસીના વેચાણમાં જે ૭.૯૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો તે ઘટાડો હવે એપ્રિલથી નવેમ્બરમાં ૨.૭૦ ટકા પર આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં વીમા પોલિસીઓ ખાસ કરીને આરોગ્ય વીમા પોલિસી પરના જીએસટીમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ વીંમા માટેની માગમાં જોરદાર વધારો થયો છે.
જીએસટીમાં ઘટાડાને કારણે આરોગ્ય પોલિસી મેળવવાનું સસ્તુ થયું છે. દરેક આરોગ્ય તથા જીવન વીમા પોલિસીઓ પર જીએસટી શૂન્ય કરાતા માગની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે એમ વીમા કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.

