Get The App

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો

- એશિયાના અન્ય દેશોનો માર્કેટ કેપમાં હિસ્સો વધ્યો : ૨૦૨૬ના પ્રારંભથી વૈશ્વિક માર્કેટ કેપ વધી પણ ભારતની નોંધપાત્ર ઘટી

- વૈશ્વિક માર્કેટ કેપ વર્ષના પ્રારંભે ૧૫૧ ટ્રિલિયન ડોલર હતી તે હાલમાં વધી ૧૬૩.૭૦ ટ્રિલિયન ડોલર: ભારતની છેલ્લા ચાર વર્ષમાં પહેલી જ વખત ૩ ટકાની નીચે

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો 1 - image

મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં સતત વેચવાલીને પરિણામે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી રહ્યો છે જ્યારે વૈશ્વિક માર્કેટ કેપમાં એકંદરે વધારો થયો છે. એશિયા વિસ્તારમાં ભારતના હરિફ દેશોના હિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન વર્ષના પ્રારંભથી વૈશ્વિક માર્કેટ કેપ વધી છે, પરંતુ ભારતની ઘટી છે.  

ક્રુડ તેલના ઊંચા ભાવ, રૂપિયા પર દબાણ તથા પશ્ચિમ એશિયા યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત મળતા નહીં હોવાથી એફપીઆઈનું ભારતીય બજારમાં માનસ ખરડાયું છે અને તેઓ સતત વેચવાલી કરી રહ્યા છે. 

૧૧મી મેના અંતે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી ૨.૯૯ ટકા પર આવી ગયો છે. જે છેલ્લા ચાર વર્ષમાં પહેલી જ વખત ૩ ટકાની નીચે સરકી ગયો છે. ડિસેમ્બર ૨૦૨૫ના અંતે ભારતનો હિસ્સો ૩.૫૦ ટકા હતો. 

વર્તમાન વર્ષના પ્રારંભથી ભારતની માર્કેટ કેપ સાત ટકા જેટલી ઘટી ૪.૯૧ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ છે.  જ્યારે બીજી બાજુ વૈશ્વિક માર્કેટ કેપમાં આઠ ટકા જેટલો વધારો થયો છે. 

વૈશ્વિક માર્કેટ કેપ જે વર્ષના પ્રારંભમાં ૧૫૧ ટ્રિલિયન ડોલર હતી તે હાલમાં વધી ૧૬૩.૭૦ ટ્રિલિયન ડોલર જેટલી પહોંચી ગઈ છે. 

સપ્ટેમ્બર, ૨૦૨૪માં ૪.૭૧ ટકાની  ટોચે પહોંચ્યા બાદ વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો સતત ઘટી રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સપ્ટેમ્બર, ૨૦૨૪ના અંતે ૫.૬૬ ટ્રિલિયન ડોલરની ઓલટાઈમ હાઈ રહી હતી.

૨૦૨૬માં સેન્સેકસ ૧૧ ટકા જ્યારે નિફટીમાં ૯ ટકાનો ઘટાડો થયો છે. એફપીઆઈએ વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીસમાંથી અંદાજે ૨૧ અબજ ડોલર  પાછા ખેંચી લીધા છે. 

એક તરફ ભારતના હિસ્સામાં ઘટાડો થઈ રહ્યો છે જ્યારે એશિયામાંના તેના હરિફોનો હિસ્સો  વધી રહ્યો હોવાનું જોવા મળે છે. વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ચીનનો હિસ્સો જે ૨૦૨૬ના પ્રારંભમાં ૮.૯૦ ટકા હતો તે હાલમાં વધી ૯.૬૨ ટકા પર આવી ગયો છે.

 જાપાન ૫.૧૦ ટકા પરથી વધી ૫.૨૨ ટકા જ્યારે તાઈવાનનો ૨.૨૦ ટકા પરથી વધી ૨.૯૧ ટકા અને દક્ષિણ કોરિઆનો હિસ્સો ૧.૭૮ ટકા પરથી વધી ૨.૮૭ ટકા પહોંચી ગયાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.