Get The App

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર

- ઓક્ટોબરમાં પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાની નિકાસમાં ૩૫%નો ઘટાડો, કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ૨૭% ઘટી

- દાગીનાની નિકાસ પણ ૨૫% ઘટી

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ  31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર 1 - image


અમદાવાદ : ઓક્ટોબર ૨૦૨૫માં ભારતના રત્નો અને ઝવેરાત ક્ષેત્રની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અનુસાર કુલ નિકાસ ૩૦.૫૭ ટકા ઘટીને ૨.૧૭ અબજ ડોલર થઈ ગઈ છે. આ સિવાય આયાત પણ ૧૯.૨ ટકા ઘટીને ૧.૨૭ અબજ ડોલર થઈ ગઈ છે.આ ઘટાડો યુએસ, યુરોપ અને ચીન જેવા મુખ્ય બજારોમાં નબળી માંગ, ધીમી વૈશ્વિક વૃદ્ધિ અને યુએસ ટેરિફની અસરને કારણે થયો હતો.

ઓક્ટોબરમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ૨૭ ટકા ઘટીને ૧.૦૨ અબજ ડોલર થઈ છે. આયાતમાં પણ ૩૫.૮ ટકાનો ઘટાડો આવ્યો છે. આ ક્ષેત્ર હજુ પણ યુએસ ટેરિફ અને ઓછી કિંમતના લેબગ્રોન હીરાના વધતા હિસ્સાથી પ્રભાવિત છે. ઘણા ઉત્પાદકોએ ઉત્પાદન ઘટાડયું છે અને નવી આયાત વધારવાને બદલે જૂના સ્ટોકના ક્લિયરન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે રફ ડાયમંડની કુલ આયાત ૬.૪૫ અબજ ડોલર હતી, જે ગયા વર્ષ જેટલી જ હતી, પરંતુ વોલ્યુમમાં ૬.૬ ટકાનો ઘટાડો થયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપનીઓ જૂજ માત્રામાં ખરીદવાને બદલે ઉચ્ચ મૂલ્યના રફ ડાયમંડ ખરીદી રહી છે.એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે ૧૨.૯૫ ટકાનો ઘટાડાની સામે ઓક્ટોબરમાં પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાની નિકાસમાં ૩૪.૯ ટકાનો ઘટાડો થયો હતો. વૈશ્વિક સપ્લાયમાં વધારો, સોનાના ઊંચા ભાવ અને ગ્રાહકોની પસંદગીઓમાં ફેરફાર આ ઘટાડા માટે મુખ્ય કારણો હતા.

ઓક્ટોબરમાં સાદા સોનાના દાગીનાની નિકાસમાં ૩૯ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન એકંદર વૃદ્ધિ ૨૯.૭ ટકા હતી. ૫૦ ટકા યુએસ ટેરિફથી ઓછી સ્પર્ધાત્મક બનતા સ્ટડેડ સોનાના દાગીનાની નિકાસમાં ૨૧.૪ ટકાનો ઘટાડો થયો હતો. 

ઓક્ટોબરમાં સોનાના દાગીનાની નિકાસમાં ૨૪.૬ ટકાનો ઘટાડો થયો હતો. જોકે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન કુલ નિકાસમાં ૧૧.૯ ટકાનો વધારો થયો છે. યુએસ ટેરિફ અને રેકોર્ડ સોનાના ભાવને કારણે ઓર્ડર રદ થયા હતા અને માંગ ઓછી થઈ હતી.

એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ચાંદીના દાગીનાની નિકાસમાં ૯.૯ ટકાનો વધારો થયો હતો. સોનાના ઊંચા ભાવને કારણે, યુવા ગ્રાહકો વધુને વધુ સસ્તા ચાંદીના ડિઝાઇન પ્રોડક્ટો પસંદ કરી રહ્યા છે. કલર્ડ જેમસ્ટોનની નિકાસમાં ૩.૨ ટકાનો ઘટાડો થયો છે. 

Tags :