Get The App

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય

- પશ્ચિમ એશિયાની કટોકટી બાદ ઊભી થયેલી અનિશ્ચિતતાથી જોવાઈ રહેલો બદલાવ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય 1 - image

મુંબઈ : અખાતી દેશોમા વસતા બિનનિવાસી ભારતીયો સામાન્ય રીતે પોતાના પરિવારના નિર્વાહ ખર્ચ, બચત અથવા પ્રોપર્ટીની ખરીદી માટે દેશમાં નાણાં મોકલતા હોવાનું અત્યારસુધી જોવા મળ્યું છે, પરંતુ પશ્ચિમ એશિયા તંગદિલી બાદ  ટ્રેન્ડ બદલાયો છે અને અખાતી દેશોમાં વસતા બિનનિવાસી ભારતીયો દેશમાં પ્રોપર્ટીને બદલે ઈક્વિટીમાં રોકાણ કરવાનું પસંદ કરવા લાગ્યા છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.

યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન તથા ઓમાન જેવા અખાતી દેશોમાં વસતા ભારતીયોે હવે દેશની ઈક્વિટીસ, મ્યુચ્યુઅલ ફન્ડસ તથા લાંબા ગાળાના નાણાંકીય સાધનોમાં રોકાણ કરવાનું પસંદ કરવા લાગ્યા છે, એમ ઈક્વિરિઅસ વેલ્થના એક રિપોર્ટમાં જણાવાયું છે.

અખાતી દેશોમાં વસતા ભારતીયોમાંથી ૮૦૦૦થી વધુ ભારતીયોના હાથ ધરાયેલા સર્વેમાં જણાયું હતું કે ભારતીયો દ્વારા રેમિટેન્સિસ તથા સંપતિ નિર્માણની પદ્ધતિમાં પરિવર્તન આવી રહ્યું છે.

બિનનિવાસી ભારતીયો માટે દેશની ઈક્વિટીસ રોકાણ માટેનું પ્રથમ સાધન બની ગયું છે. 

સર્વેમાં ભાગ લેનારામાંથી ૭૩ ટકા ભારતીયોએ ઈક્વિટીસ તથા મ્યુચ્યુઅલ ફન્ડસમાં રોકાણ વધાર્યું હોવાનું, ૪૨ ટકા લોકો ઈક્વિટીસમાં વધુ નાણાં ઠાલવવાનું  તથા ભવિષ્યમાં પણ રોકાણ માટે ઈક્વિટીસ પ્રથમ પસંદગી હશે તેવું સર્વેમાં તારણ નીકળ્યું છે. 

નવા ઈન્વેસ્ટમેન્ટની પ્રાથમિકતામાં  ૪૨ ટકા  ઈક્વિટીસમાં, ૨૩ ટકા ફિક્સ્ડ આવક-ઋણ સાધનમાં, ૪ ટકા ગોલ્ડ તથા બે ટકા ભારતમાં રિઅલ એસ્ટેટમાં જોવાઈ રહી છે. 

પ્રોપર્ટીની સરખામણીએ ભારતીય ઈક્વિટીસને બિનનિવાસી ભારતીયો લાંબા ગાળાનું મજબૂત વેલ્થ એન્જિન તરીકે જોઈ રહ્યા હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. 

અત્યારસુધી અખાતના એનઆરઆઈ ભારતમાં પ્રોપર્ટી, જમીન અથવા રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલ એસેટસમાં રોકાણ કરવાનું પસંદ કરતા હતા. જો કે સર્વેમાં ભાગ લેનારામાંથી ૪૦ ટકાએ ભારતના રિઅલ એસ્ટેટમાં રોકાણ ઘટાડી રહ્યાનું જણાવ્યું હતું.