13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી 'ઓવરવેઈટ' રેટિંગ અપાયું
- ગોલ્ડમેન દ્વારા ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં નિફ્ટી ૫૦ માટે ૨૯,૦૦૦નો નવો ટાર્ગેટ મુકવામાં આવ્યો

અમદાવાદ : ભારતીય અર્થવ્યવસ્થાનો સૂરજ ફરી ઉગી રહ્યો છે. ગોલ્ડમેન સાક્સે ભારતીય શેરમાર્કેટને અપગ્રેડ કર્યું છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સે ભારતીય શેરબજાર પર પોતાનું વલણ બદલ્યું છે. લગભગ ૧૩ મહિના પછી, ગોલ્ડમેને ભારતને 'ન્યુટ્રલ' રેટિંગથી 'ઓવરવેઇટ'માં અપગ્રેડ કર્યું છે. કંપની હવે ભારતીય બજારમાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખે છે.
ગોલ્ડમેન સાક્સના મતે વર્તમાન આર્થિક વાતાવરણ, મજબૂત વૃદ્ધિ દર અને નીતિગત સ્થિરતા ભારતને રોકાણ માટે વિશ્વના સૌથી આકર્ષક બજારોમાંનું એક બનાવે છે. ગોલ્ડમેન સાક્સના મતે આ સમય ભારતમાં લાંબા ગાળાના રોકાણકારો માટેની સુવર્ણ તક સાબિત થઈ શકે છે. વધુમાં, ગોલ્ડમેન સાક્સે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં નિફ્ટી ૫૦ માટે ૨૯,૦૦૦નો નવો ટાર્ગેટ મુક્યો છે, જે વર્તમાન લેવલેથી આશરે ૧૪ ટકાનો વધારો સૂચવે છે.
ભારતીય ઇક્વિટી બજાર હવે રિકવરી માટે તૈયાર છે. નીતિગત સરળતા, સુધારેલી કમાણી વૃદ્ધિ અને રોકાણકારોના વિશ્વાસમાં સુધારો જેવા પરિબળોને કારણે આગામી સમયગાળામાં બજારના પ્રદર્શનમાં સુધારો થવાની અપેક્ષા છે. તાજેતરની આરબીઆઈ પોલીસી, જીએસટી રાહત અને સરકારી ખર્ચમાં સુગમતાએ અર્થતંત્રને ટેકો આપ્યો છે.
ગોલ્ડમેન સાક્સના અહેવાલ અનુસાર કોર્પોરેટ કમાણી ધીમે-ધીમે સુધરી રહી છે અને શેર દીઠ કમાણી (ઈપીએસ)માં ઘટાડો હવે અટકી રહ્યો છે. એમએસસીઆઈ ઇન્ડિયાએ ૨૦૨૬ સુધીમાં નફામાં વૃદ્ધિ ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા થવાની આગાહી કરી છે, જેમાં સ્થાનિક માંગ અને સુધારેલા વિકાસના અંદાજને મુખ્ય ડ્રાઇવરો તરીકે દર્શાવવામાં આવ્યા છે. બેંકિંગ અને નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ, ડિફેન્સ અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મજબૂત રોકાણ તક આપી રહી છે. આ ક્ષેત્રોને મૂડીખર્ચ વૃદ્ધિ અને મજબૂત બેલેન્સ શીટનો લાભ મળશે.
છેલ્લા એક વર્ષમાં વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ)એ ભારતીય બજારમાં લગભગ ૩૦ અબજ ડોલરનું વેચાણ કર્યું, જેના કારણે ભારતનું વેલ્યુએશન ઘણા ઉભરતા બજારોની તુલનામાં મોંઘું દેખાય છે. જોકે હવે પરિસ્થિતિ બદલાતી દેખાય છે. વેલ્યુએશન પ્રીમિયમ ૮૫-૯૦ ટકાની અગાઉની શ્રેણીથી ઘટીને ૪૫ ટકા થઈ ગયું છે. આ રેશિયો ભારતને વૈશ્વિક રોકાણકારો માટે ફરીથી આકર્ષક બનાવી રહ્યું છે.

