સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market News : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મહાયુદ્ધના ભણકારા અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતાઓ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પણ બજાર ખુલતાં જ કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં બજાર ખુલતાં જ પ્રી સેશનમાં 430 પોઇન્ટનો તો નિફ્ટીમાં 161 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. જે ટ્રેડિંગ શરૂ થતાની સાથે વધીને સેન્સેક્સનો કડાકો 899 પોઇન્ટ તો નિફ્ટીનો કડાકો 260થી વધુ પોઈન્ટને સ્પર્શી ગયો હતો. જ્યારે ડૉલર સામે રૂપિયાએ 96.19ની નવી નીચલી સપાટી સ્પર્શ કરી હતી. જેનાથી ભારતમાં ફરી એકવાર મોંઘવારી વધવાના સંકેત મળી રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ?
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવોની સીધી અને આકરી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટમાં મંદડિયાઓએ કબજો જમાવી લીધો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ (BSE Sensex) શરૂઆતની મિનિટોમાં જ 430 પોઈન્ટ પછી ટ્રેડિંગ શરૂ થયા બાદ 899 પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) પણ 260થી વધુ પોઈન્ટ ના મોટા કડાકા સાથે રેડ ઝોનમાં ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
રૂપિયો પણ ઓલ-ટાઇમ લો સપાટીએ
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે ભારતીય ચલણ રૂપિયામાં પણ મોટું ધોવાણ થયું છે. અમેરિકી ડૉલર સામે રૂપિયો 96.19 ની ઓલ-ટાઇમ લો એટલે કે અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો છે. ડૉલર મજબૂત થવા અને રૂપિયો નબળો પડવાના કારણે ભારત માટે આયાત થતી વસ્તુઓ, ખાસ કરીને ક્રૂડ ઓઈલ વધુ મોંઘું બનશે. આર્થિક વિશ્લેષકોના મતે, રૂપિયાના આ રેકોર્ડ કડાકાથી દેશમાં આગામી દિવસોમાં મોંઘવારીનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ શકે છે.
મોંઘવારી અને આર્થિક દબાણ વધશે
વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા નકારાત્મક સંકેતો અને ગિફ્ટ નિફ્ટીમાં સવારે જોવા મળેલી નબળાઈના કારણે સ્થાનિક રોકાણકારો ભારે સાવચેતી દાખવી રહ્યા છે અને આઈટી, બેન્કિંગ તેમજ ઓટો સેક્ટરના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જો મિડલ ઈસ્ટમાં તણાવ હજુ વધારે સમય ચાલુ રહેશે, તો ભારતીય બજાર અને અર્થતંત્ર પર દબાણ વધુ આકરૂં બની શકે છે.









