Get The App

ભારત હવે FY27ને બદલે FY29માં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે

- આઈએમએફના મતે ભારત નાણાકીય વર્ષ ૨૦૨૬માં ચાર ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરશે

- IMFનું નેગેટીવ આઉટલુક

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ : ભારતીય અર્થતંત્ર પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. વિશ્વમાં સૌથી ઝડપથી વધતા અર્થતંત્રનું બિરૂદ ધરાવતા ભારત પર આઈએમએફએ નેગેટીવ આઉટલુક અપનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના તાજેતરના સ્ટાફ કન્સલ્ટેશન રિપોર્ટ અનુસાર ભારત હવે નાણાકીય વર્ષ ૨૦૨૯માં જ ૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકશે. 

આ અંદાજ અગાઉના અંદાજ કરતા એક વર્ષનો વિલંબ દર્શાવે છે. જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડો અને ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ૨૦૨૭ને બદલે ૨૦૨૯માં ભારતઆ સિદ્ધિ હાંસલ કરી શકશે.

આઈએમએફના મતે ભારત નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૪ ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરશે. જોકે નાણાકીય વર્ષ ૨૦૨૮માં કુલ ઘરેલું ઉત્પાદન, જીડીપી ૪.૯૬ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. અગાઉ, ફેબ્રુઆરી ૨૦૨૫માં, આઈએમએફએ નાણાંકીય વર્ષ ૨૦૨૮ માટે ૫.૧૫ ટ્રિલિયન ડોલરનો અંદાજ મૂક્યો હતો. આ અંદાજ હવે લગભગ ૨૦૦ અબજ ડોલર ઓછો છે. 

ચોંકાવનારી વાત એ છે કે આઈએમએફે ૨૦૨૩માં અંદાજ મુક્યો હતો કે નાણાકીય વર્ષ ૨૦૨૮માં ભારતની જીડીપી ૫.૯૬ ટ્રિલિયન ડોલરે પહોંચશે. હવે વર્તમાન નવા અંદાજ અનુસાર જોઇએ તો બે વર્ષમાં અંદાજમાં આશરે અડધા ટ્રિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ એક્સચેન્જ રેટમાં વધારો છે.

આઈએમએફએ જણાવ્યું હતું કે રૂપિયાની નબળાઈની અસર ભારતના જીડીપી પર સૌથી વધુ પડી રહી છે. આઈએમએફનો અંદાજ છે કે રૂપિયો નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૮૭ રૂપિયા પ્રતિ ડોલર સુધી નબળો પડી શકે છે અને નાણાકીય વર્ષ ૨૦૨૭માં ૮૭.૭ ડોલર પ્રતિ ડોલર સુધી પહોંચી શકે છે.

આઈએમએફએ નોમિનલ જીડીપી વૃદ્ધિ અંદાજો પણ ઘટાડયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે, નોમિનલ જીડીપી ૮.૫ ટકા વધવાની ધારણા છે, જે ૨૦૨૪ના ૧૧ ટકાના અનુમાનથી ઓછી છે. 

Tags :