Get The App

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન!

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! 1 - image


India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને દેશો વચ્ચે 9 જુલાઈ પહેલાં દ્વિપક્ષીય વેપાર કરાર પૂર્ણ થવાનો હતો. સૂત્રો અનુસાર, અમેરિકા ત્રણ મોટી ખેત પેદાશ સોયાબીન, સોયા તેલ અને મકાઈની આયાત કરવામાં નડતા પડકારો દૂર કરવાની માગ કરી રહી છે. અમેરિકાની આ માગથી કૃષિ પ્રોડક્ટ્સની આયાત પર અસર થવાની ભીતિ વધી છે. ભારતીય ખેડૂતો પર માઠી અસર પડી શકે છે. 

ભારતમાં વર્ષ 2024-25 (જુલાઈ-જૂન) દરમિયાન 1.2 કરોડ હેક્ટર જમીન પર મકાઈ અને 1.3 કરોડ હેક્ટર જમીન પર સોયાબીનના વાવેતર થયા હતાં. જો અમેરિકાની માગ પર ભારત સહમત થાય તો આ બંને પાકનું વાવેતર કરતાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતોની કમાણી પર અસર થઈ શકે છે. ઘઉં અને ચોખા બાદ મકાઈ ભારતનો ત્રીજો સૌથી મોટો પાક છે. બિહારની સંપૂર્ણ અર્થવ્યવસ્થા પર મકાઈનો હિસ્સો મહત્ત્વનો છે. દેશમાં મકાઈના કુલ ઉત્પાદનમાં બિહારનો હિસ્સો 9-11 ટકા રહ્યો છે.

બિહારનું મકાઈના ઉત્પાદનમાં મુખ્ય યોગદાન

દેશમાં 4.22 કરોડ ટન મકાઈનું ઉત્પાદન થયુ હતું. જેમાં બિહારનું યોગદાન 50 લાખ ટન રહ્યું હતું. પ્રતિ હેક્ટર મકાઈની ઉપજ અને કુલ ઉત્પાદનમાં નોંધનીય વૃદ્ધિના કારણે રાજ્યની અર્થવ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. 2018-19 અને 2024-25માં બિહારમાં મકાઈનું વાવેતર વાર્ષિક ધોરણે 8 ટકા CGAR પર વધ્યું છે. જો અમેરિકામાંથી મકાઈની આયાત માટે રાહતો આપવામાં આવે તો બિહારની ઈકોનોમી પર પ્રતિકૂળ અસર થઈ શકે છે.

મધ્ય પ્રદેશ- મહારાષ્ટ્ર પર પણ અસર

ભારત-અમેરિકા વેપાર કરારથી પ્રભાવિત થનારો બીજો પાક સોયાબીન છે. સોયાબીનની કિંમત રૂ. 3800-4200 પ્રતિ ક્વિન્ટલ છે. જે લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઓછી છે. આ વર્ષે વાવેતરની સીઝન પહેલાં જ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલોના વધતા ભાવો પર અંકુશ મેળવવા આયાત ડ્યુટી ઘટાડી હતી. આ પગલાંથી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્ય સોયા ઉત્પાદકો નારાજ થયા હતાં. સોયાબીન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહત્ત્વના પાક પૈકી એક છે.

આ પણ વાંચોઃ ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો

ખેડૂતોની નારાજગીથી ચૂંટણી હાર્યા

મધ્ય પ્રદેશમાં 17 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણ 2017માં ચૂંટણી હાર્યા હતા. જેની પાછળનું કારણ સોયાબીનના ઘટતા ભાવો અને ખેડૂતોની નારાજગી હતું. હવે નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે, જો ભારત અને અમેરિકા બંને એકબીજાની માગ પર સહમતિ દર્શાવે તો સોયાબીનની સસ્તી આયાત આ રાજ્યો પર અસર કરશે. જેનાથી રાજ્યના રાજકારણ પર પણ વિપરિત અસર થઈ શકે છે.

ઈથેનોલના ઉત્પાદન પર અસર, રોજગારી ઘટશે

દેશમાં ઈથેનોલનની વધતી માગને કારણે બિહારમાં મકાઈનું બજાર મૂલ્ય 2022માં રૂ. 1600-1700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધી 2024માં રૂ. 2500-2600 પ્રતિ ક્વિન્ટલ થયુ છે. આ વર્ષે એપ્રિલથી હાલ ભાવ 2200-2250 પ્રતિ ક્વિન્ટલ પર સ્થિર થયો છે. ઈથેનોલના ઉત્પાદનમાં વધારો થતાં મકાઈથી થતી આવક બે વર્ષમાં 25 ટકા વધી છે. 2025-26 સીઝન માટે મકાઈનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 2400 પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. બે દેશો વચ્ચે વેપાર કરારના કારણે ઈથેનોલના ઉત્પાદન માટે સ્થાનિક મકાઈની માગમાં ઘટાડો થશે. જેનાથી રોજગારી ઘટશે. તમને જણાવી દઈએ કે, હાલ 100 કિલોલીટર ઉત્પાદન માટે 225-250 લોકોને રોજગારી મળે છે. જેમાં 100-125 કર્મચારીઓ સામેલ છે. 

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! 2 - image

Tags :