ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો
- નિકાસના સંદર્ભમાં અમેરિકા સૌથી મોટું બજાર, કુલ દવા નિકાસમાંથી ૩૪.૫૧ ટકા અમેરિકા ખાતે
મુંબઈ : ગત માર્ચમાં ભારતથી અમેરિકામાં દવાની નિકાસ વાર્ષિક ધોરણે ૭૩.૯૯ ટકા વધીને ૧.૫૬૧ બિલિયન ડોલર થઈ છે. તે જ સમયે, માર્ચમાં નિકાસ ફેબુ્રઆરીની તુલનામાં લગભગ ૭૧ ટકા વધી હતી. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ફાર્મેક્સિલ)ના ડેટા દર્શાવે છે કે આ તેજી એવા સમયે આવી છે જ્યારે સંભવિત યુએસ ટેરિફ પર વાતચીત ચાલી રહી છે.
ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં અમેરિકામાં નિકાસ ૭.૨૭ ટકા ઘટીને ૮,૯૮૩.૪ મિલિયન ડોલર થઈ છે જે એપ્રિલ ૨૦૨૪ માં ૯,૬૮૭.૯ મિલિયન ડોલર હતી. જોકે, મે મહિનામાં નિકાસ સુધરીને ૧૩.૩૪ ટકા વધીને ૮,૧૩૪.૧ મિલિયન ડોલર થઈ હતી. એકંદરે, એપ્રિલ અને મે મહિનામાં અમેરિકામાં નિકાસ ૩ ટકા વધી હતી.
ભારતમાંથી આયાત પર ટેરિફ એપ્રિલથી અમલમાં આવવાની અપેક્ષા હતી, પરંતુ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકાએ હજુ સુધી વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી નથી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં સંકેત આપ્યો હતો કે તેઓ ટૂંક સમયમાં દેશોને ડયુટી પત્રો મોકલવાનું શરૂ કરશે.
ભારતની દવાના નિકાસના સંદર્ભમાં અમેરિકા સૌથી મોટું બજાર છે. ભારતની કુલ દવા નિકાસમાંથી ૩૪.૫૧ ટકા અમેરિકા મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, ભારતે યુએસમાં ૧.૦૫૧૫ બિલિયન ડોલરના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસ કરી છે.