ભારતના અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાનો દાવો, જીડીપી ગ્રોથ 6 ટકાથી વધુ રહેશેઃ રિસર્ચ રિપોર્ટ
India GDP Growth: ભારતના અર્થતંત્રની ગાડી ગ્રોથના માર્ગે હોવાના જેપી મોર્ગનના રિપોર્ટ બાદ અન્ય ત્રણ રેટિંગ એજન્સીઓએ પણ સકારાત્મક સંકેતો આપ્યા છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત પ્રદર્શન કરી રહ્યુ હોવાનું જણાવ્યું છે. એક રિપોર્ટમાં દેશનો જીડીપી ગ્રોથ અંદાજ વધારવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, ભારત એકમાત્ર મોટી અર્થવ્યવસ્થા છે, જેનો જીડીપી ગ્રોથ 2025માં 6.2-6.3 ટકા રહેવાનો અંદાજ છે. ભારતમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે ખાનગી વપરાશ વધવાની સંભાવના છે.
એસબીઆઈ રિસર્ચનો જીડીપી ગ્રોથ અંદાજ
એસબીઆઈ રિસર્ચે રિપોર્ટમાં જણાવ્યું છે કે, વૈશ્વિક અનિશ્વિતતાઓ હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. જાન્યુઆરીથી માર્ચ, 2025ના ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ 6.4 ટકા-6.5 ટકા રહેવાનો અંદાજ છે. એસબીઆઈના ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડો. સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે, જો NSO પ્રથમ, બીજા, અને ત્રીજા ત્રિમાસિકના આંકડાઓમાં મોટો ફેરફાર ન કર્યો તો આપણો જીડીપી ગ્રોથ અંદાજ 6.3 ટકા રહેશે. ચોમાસુ સારૂ રહેવાની સંભાવના સાથે મોંઘવારીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જે માગ આધારિત ગ્રોથમાં વધારો કરશે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી
મોર્ગન સ્ટેન્લીએ વધાર્યો અંદાજ
ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લીએ અગાઉ ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ 2025-26માં 6.1 ટકા આપ્યો હતો. જે વધારી હવે 6.2 ટકા કર્યો છે. તેમજ નાણાકીય વર્ષ 2026-27 માટે ગ્રોથ અંદાજ 6.3 ટકાથી વધારી 6.5 ટકા કર્યો છે. સ્થાનિક સ્તરે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ હોવા છતાં સ્થાનિક માગમાં વધારો થવાની શક્યતા છે. જે ગ્રોથ એન્જિનને વેગ આપશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની ભીતિમાં ઘટાડો પણ ગ્રોથને ટેકો આપશે.
ભારત કરતાં પાકિસ્તાનની ઈકોનોમી વધુ પ્રભાવિતઃ મૂડીઝ
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકાની ટેરિફ નીતિના કારણે ગ્લોબલ ટ્રેડમાં ઉથલ-પાથલ થઈ હોવા છતાં અન્ય દેશોની તુલનાએ ભારતની સ્થિતિ મજબૂત છે. ભારતના સ્થાનિક માર્કેટમાં વિકસતી તકો અને નિકાસ પરની નિર્ભરતા ઘટાડો થતાં અર્થતંત્રને વેગ મળ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીમાં ભારત કરતાં પાકિસ્તાનની ઈકોનોમી વધુ પ્રભાવિત થઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારના રોકાણથી ખાનગી વપરાશને પ્રોત્સાહન મળશે અને નબળી વૈશ્વિક માગથી ઈકોનોમીને સુરક્ષા મળશે.