Get The App

વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે 1 - image


Retail Inflation: દેશમાં વૈશ્વિક પડકારો વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. સ્થાનિક સ્તરે રિટેલ મોંઘવારી આઠ વર્ષના તળિયે નોંધાઈ છે. જે તહેવારોની સીઝનમાં લોકોને વધુ ખરીદી કરવા પ્રેરશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર, જુલાઈમાં રિટેલ મોંઘવારીનો દર ઘટી 1.55 ટકા થયો છે. જે જૂન, 2025ના 2.10 ટકા સામે 55 બેઝિસ પોઇન્ટ ઘટ્યો છે. જે જૂન, 2017 બાદ સૌથી નીચો રિટેલ ફુગાવો છે.

ખાદ્ય ચીજોના ભાવ ઘટ્યા

જુલાઈ 2025માં ખાદ્ય ફુગાવો ઘટીને -1.76% થયો હતો, જે જૂનમાં -1.01% હતો. ખાદ્યચીજોના ભાવ સતત બીજા મહિને ઘટ્યા છે. આ ઘટાડો કઠોળ, શાકભાજી, અનાજ, ખાંડ અને પરિવહનના ખર્ચમાં ઘટાડાને કારણે થયો હતો. જુલાઈમાં નોંધાયેલ આ દર જાન્યુઆરી 2019 પછીનો સૌથી ઓછો ખાદ્ય ફુગાવો છે. ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો જુલાઈમાં 1.18% રહ્યો હતો, જે જૂનમાં 1.72% કરતાં ઘટ્યો છે. શહેરી ફુગાવો પણ 2.56%થી ઘટી 2.05% થયો છે. હાઉસિંગ ક્ષેત્રમાં ફુગાવો લગભગ 3.17% પર સ્થિર રહ્યો, શિક્ષણમાં તે 4.37%થી ઘટી 4%, જ્યારે આરોગ્ય ક્ષેત્રમાં ફુગાવો જૂનમાં 4.38%થી વધીને 4.57% થયો હતો.

આ પણ વાંચોઃ ICICI બેન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો

આ ચીજોના ભાવ ઘટ્યા

અમુક ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી દર અપેક્ષા કરતાં નીચો રહ્યો છે. જેમાં અનાજ (3.03 ટકા), દૂધ અને ડેરી ઉત્પાદનો (2.74 ટકા) અને ખાંડ અને કન્ફેક્શનરી ઉત્પાદનો(3.28 ટકા)નો સમાવેશ થાય છે. બીજી બાજુ જુલાઈમાં ફળોના ભાવમાં વધારો થયો હતો. તેનો ફુગાવો 14.42 ટકા રહ્યો હતો. તેલ અને ચરબીયુક્ત ઉત્પાદનો 19.24 ટકા મોંઘા થયા હતા. ઇંધણ અને વીજ શ્રેણીનો ફુગાવો 2.67 ટકા નોંધાયો હતો.

50 અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ સર્વેમાં જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટીને 1.76% થવાનો અંદાજ હતો. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા રિટેલ મોંઘવારી 5.50% પર યથાવત્ રાખી હતી. ફેબ્રુઆરીથી સતત ત્રણ વખત રેપોરેટ કુલ 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. જો કે, ઑગસ્ટમાં રેપો રેટ જાળવી રાખ્યો હતો.

વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે 2 - image

Tags :