ICICI બૅન્કના ગ્રાહકોને બીજો મોટો ઝટકો, ATM અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં વધારો
ICICI Bank Latest Charge: ICICI બૅન્કે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બૅન્કે ATMના ઉપયોગ અને બ્રાન્ચમાંથી રોકડ ઉપાડવા કે જમા કરવા પર લાગતા ચાર્જમાં વધારો કર્યો છે. જેના કારણે ગ્રાહકોને હવે વધુ પૈસા ખર્ચવા પડશે. આ મોટી ખાનગી બૅન્કે પહેલાં મિનિમમ બેલેન્સની મર્યાદા ₹10,000થી વધારીને સીધી ₹ 50,000 કરી દીધી છે. હવે, બૅન્કે પોતાના જ ખાતામાંથી પૈસા ઉપાડવા, જમા કરાવવા અને ATM માંથી પૈસા કાઢવા જેવી સેવાઓ પરના ચાર્જમાં પણ વધારો કર્યો છે. આ ફેરફાર 1 ઑગસ્ટ, 2025થી લાગુ કરી દેવામાં આવ્યો છે.
કેશ જમા કરાવવા અને ઉપાડવા પર લાગતા ચાર્જ
બૅન્કે કેશ જમા કરાવવા (ડિપોઝિટ) અને ઉપાડવા (વિડ્રોલ) જેવી સેવાઓ પરના ચાર્જમાં વધારો કર્યો છે. જેમાં ICICI બૅન્કે દર મહિને 3 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી કર્યા છે. તેમજ આ 3 ટ્રાન્ઝેક્શન પછી, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹150 ચાર્જ લાગશે. તેમજ દર મહિને ₹1 લાખ સુધીનું કેશ ડિપોઝિટ અથવા વિડ્રોલ મફત છે. જો ₹1 લાખની આ મર્યાદા ઓળંગાઈ જાય, તો દર ₹1000 પર ₹3.50 અથવા ₹150 (જે વધારે હોય તે) ચાર્જ લાગશે.
જો એક જ ટ્રાન્ઝેક્શન માટે ફ્રી લિમિટ અને વેલ્યુ લિમિટ બંને ઓળંગાઈ જાય, તો ફ્રી ટ્રાન્ઝેક્શન અથવા વેલ્યુ લિમિટ સંબંધિત ચાર્જમાંથી જે વધારે હશે, તે લાગુ પડશે. દરેક ટ્રાન્ઝેક્શન માટે થર્ડ પાર્ટી રોકડ ઉપાડ મર્યાદા 25,000 રૂપિયા લાગુ થશે.
ATM વાપરવા પર ચાર્જ
જો તમે ICICI બૅન્કના ATMનો ઉપયોગ કરો છો, તો હવેથી રોકડ ઉપાડવા અને બેલેન્સ ચેક કરવા જેવી સેવાઓ પર પણ નવો ચાર્જ લાગુ થશે. ICICI બૅન્ક સિવાયના અન્ય બૅન્કના ATM પર (મોટા શહેરો જેવા કે મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં) તમને 3 ફ્રી ટ્રાન્ઝેક્શન (નાણાકીય અને બિન-નાણાકીય બંને) મળશે. જો તમે આ લિમિટ વટાવી જશો, તો દરેક નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ₹23 અને દરેક બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ₹ 8.5નો ચાર્જ લાગશે.
અન્ય લોકેશન પર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે, ત્યારબાદ ચાર્જ ઉપર મુજબ લાગશે. વિદેશમાં ATM વાપરવા પર, દરેક ઉપાડ પર 125 રૂપિયા અને 3.5% કરન્સી કન્વર્ઝન ચાર્જ લાગશે. જ્યારે નોન-ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે.
ICICI બૅન્કના પોતાના ATM પર મહિનામાં 5 ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મફત રહેશે. ત્યારબાદ, દરેક ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ લાગશે. જોકે, બેલેન્સ ઇન્ક્વાયરી, મીની સ્ટેટમેન્ટ અને PIN ચેન્જ જેવી નોન-ફાયનાન્શિયલ સેવાઓ ફ્રી રહેશે.
પૈસા જમા કરવવા પર કેટલો ચાર્જ લાગશે?
જો તમે નોન વર્કિંગ સમય દરમિયાન એટલે કે સાંજે 4:30થી સવારના 9:00 વાગ્યા સુધી અથવા રજાના દિવસોમાં રૂ. 10,000થી વધુની રકમ જમા કરાવો છો, તો તેના પર તમને રૂ. 50નો ચાર્જ લાગશે.
આ પણ વાંચો: સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર
ICICI બૅન્કના અન્ય ચાર્જ
ડિમાન્ડ ડ્રાફ્ટ (DD): દર ₹1,000 પર ₹2, ઓછામાં ઓછા ₹50 અને વધુમાં વધુ ₹15,000.
ડેબિટ કાર્ડ: વાર્ષિક ફી ₹300 (ગ્રામીણ વિસ્તારો માટે ₹150).
કાર્ડ બદલવાની ફી: ₹300.
SMS: દર SMS પર 15 પૈસા, એક ક્વાર્ટરમાં વધુમાં વધુ ₹100 સુધી.
RTGS (બૅન્ક બ્રાન્ચમાંથી): ₹2 લાખથી ₹5 લાખના ટ્રાન્ઝેક્શન માટે ₹20, અને ₹5 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન માટે ₹45.
બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન ચાર્જ:
- ₹ 10,000 સુધી: ₹ 2.25
- ₹ 10,001થી ₹ 1 લાખ સુધી: ₹ 4.75
- ₹ 1 લાખથી ₹ 2 લાખ સુધી: ₹ 14.75
- ₹2 લાખ થી ₹10 લાખ સુધી: ₹24.75
બૅન્ક સ્ટેટમેન્ટ: બૅન્ક બ્રાન્ચ કે ફોન બૅન્કિંગ દ્વારા સ્ટેટમેન્ટ લેવા પર દર મહિને ₹ 100. જોકે, ATM, iMobile કે ઇન્ટરનેટ બૅન્કિંગ દ્વારા લેવા પર કોઈ ચાર્જ નથી.
આ તમામ ચાર્જ પર GST પણ લાગુ થશે.