Get The App

2020થી ઊભરતી બજારોમાં ભારત સ્થિતિસ્થાપક બજારોમાંનું એક

- મજબૂત ફોરેકસ, સ્થિર નીતિ માળખાના ટેકા સાથે ભારત ટકી રહેવામાં સફળ : મૂડી'સ

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
2020થી ઊભરતી બજારોમાં ભારત  સ્થિતિસ્થાપક બજારોમાંનું એક 1 - image

મુંબઈ : ૨૦૨૦થી  ઊભરતી બજારોમાં ભારત  સૌથી મોટા સ્થિતિસ્થાપક બજારોમાંનું એક બજાર બની રહ્યું છે. મજબૂત ફોરેકસ રિઝર્વ, સ્થિર નીતિ માળખા તથા ઘરેલુ મૂડી બજારની ઊંડાઈના ટેકા સાથે ભારત  સ્થિતિસ્થાપક બની રહેવામાં સફળ રહ્યું છે, એમ મૂડી'સ રેટિંગ્સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.

ઊભરતી બજારો પરના પોતાના છેલ્લામાં છેલ્લા રિપોર્ટિમાં રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, મજબૂત નાણાંકીય બફર્સ અને ભવિષ્ય ભાખી શકાય એવા બૃહદ્ આર્થિક નીતિવિષયક વાતાવરણ સાથે ભાવિ વૈશ્વિક આંચકા પચાવી શકવામાં પોતાના અનેક હરિફો કરતા ભારત સક્ષમ છે. 

ઘરેલુ ફન્ડિંગ પર ભારતની નિર્ભરતા ઊંડી સ્થાનિક બજારો અને નોંધપાત્ર રિઝર્વ  દ્વારા સમતુલિત રહી છે. જો કે ભારતનો ઊૅચો દેવાબોજ અને નબળી રાજકોષિય સમતુલા ઉપરાઉપરી આંચકાઓનો સામનો કરવામાં મર્યાદા ઊભી કરે છે.

ભાવિ વૈશ્વિક તાણ સામે ભારત મજબૂત અને ઉપયોગમાં લઈ શકાય તેવા બફર્સ સાથે સામનો કરી શકશે જેને કારણે ઊંચી અનિશ્ચિતતા વચ્ચે પણ રોકાણકારોનો વિશ્વાસ ટકી શકશે એમ મૂડી'સ દ્વારા રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે.

મૂડી'સે તેના રિપોર્ટમાં મુખ્ય ઊભરતી બજારો જેમ ઈન્ડોનેશિયા, મેક્સિકો, થાઈલેન્ડ, બ્રાઝિલ, આર્જેન્ટિના વગેરેનો સમાવેશ કર્યો છે. ૨૦૨૦થી આવી પડેલા વિવિધ વૈશ્વિક આંચકાઓની આ બજારો પર કેવી અસર રહી હતી તેનો એજન્સીએ અભ્યાસ કર્યો હતો.

આ વૈશ્વિક આંચકાઓમાં કોરોના, અમેરિકા દ્વારા ૨૦૨૨માં વ્યાજ દરમાં સખતાઈ, ૨૦૨૩માં અમેરિકામાં પ્રાદેશિક બેન્કોની નબળાઈ તથા ૨૦૨૫માં ટ્રમ્પે લાગુ કરેલા ટેરિફને કારણે આવી પડેલા આંચકાઓનો સમાવેશ થાય છે.