Get The App

ભારત ગંભીર આર્થિક મંદીના વમળમાં

- આર્થિક ક્ષેત્રે તાત્કાલિક પગલાં ભરવા આઈએમએફની ચેતવણી

- ૨૦૧૯માં વિવિધ પરિબળોની અસરને કારણે ભારતમાં અર્થતંત્રનો વિકાસ મંદ પડયો હોવાની સ્પષ્ટતા:રિકવરી અગાઉ જણાતી હતી તેટલી ઝડપી નહીં રહે

Updated: Dec 24th, 2019

GS TEAM

Google News
Google News
ભારત ગંભીર આર્થિક મંદીના વમળમાં 1 - image

નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર

ભારત હાલમાં ગંભીર આર્થિક મંદીની મધ્યમાં છે એમ જણાવી ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા આ લાંબી મંદીને પહોંચી વળવા તાત્કાલિક નીતિવિષયક પગલાં હાથ ધરવા ભારત સરકારને અનુરોધ કરાયો છે. આઈએમએફ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે, તાજેતરના વર્ષોમાં ભારતના ઝડપી આર્થિક વિસ્તરણને કારણે લાખો લોકો ગરીબી રેખાની બહાર નીકળી ગયા છે. 

જો કે ૨૦૧૯માં વિવિધ પરિબળોની અસરને કારણે ભારતમાં અર્થતંત્રનો વિકાસ મંદ પડયો છે. આર્થિક વિકાસ દરમાં મંદી ભારત માટે હાલમાં મુદ્દો બની રહ્યો છે. અમે માનીએ છીએ કે આ મંદી સાઈકલિકલ (કામચલાઉ) છે અને નહીં કે પાયાભૂત, અને તે પણ નાણાંકીય ક્ષેત્રમાં ખરાબીને કારણે ઊભી થઈ છે. રિકવરી અગાઉ જણાતી હતી તેટલી ઝડપી નહીં રહે એમ આઈએમએફના રેનિલ સાલગાડોએ પીટીઆઈને જણાવ્યું હતું.

આઈએમએફ દ્વારા ભારત પર વાર્ષિક રિપોર્ટ જારી કરાયો છે જેમાં દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજુ કરવામાં આવ્યું છે.

આઉટલુકને લગતા જોખમો ઘટાડા તરફી વળી રહ્યા છે ત્યારે, ભારત સરકારે મજબૂત મેક્રો ઈકોનોમિક મેનેજમેન્ટ સતત ચાલુ રાખવા પર પણ ભાર અપાયો છે. 

કેન્દ્રમાં મજબૂત સરકારની રચનાને કારણે તેઓ સુધારા કાર્યક્રમને આગળ ધપાવવાની તક રહેલી હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. આ  રિપોર્ટ ઓગસ્ટમાં તૈયાર કરાયો હતો જ્યારે ભારતની હાલની આર્થિક મંદીના સંકેત જણાતા નહોતા.ભારત હાલમાં મોટી આર્થિક મંદીની વચ્ચે છે, એમ સાલગોડાએ જણાવ્યું હતું.

વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને ૪.૫૦ ટકા સાથે ૬ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે અને વિકાસના ઘટકો સંકેત આપે છે કે, આ ગાળામાં ઘરેલુ માગમાં માત્ર ૧ ટકો જ વૃદ્ધિ થઈ છે. 

મોટા ભાગના હાઈ ફ્રિકવન્સી નિર્દેશાંકો, સૂચવે છે કે, ડીસેમ્બર ત્રિમાસિકમાં પણ આર્થિક પ્રવૃત્તિમાં મંદી ચાલુ રહી છે. નોન-બેન્કીંગ ફાઈનાન્સિઅલ કંપનીઓમાં ધિરાણ વૃદ્ધિમાં થયેલા ઘટાડાની અસર આર્થિક પ્રવૃત્તિ પર પડી હોવાનું આઈએમએફ માને છે. 

નાણાંકીય ક્ષેત્રની મુશકેલીઓ અને બિઝનેસ કોન્ફીડેન્સમાં ઘટાડાને કારણે ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં રુકાવટો આવી રહી છે. સુધારાઓના અમલીકરણ જેમ કે જીએસટીના અમલમાં કેટલાક મુદ્દાઓએ પણ ભૂમિકા ભજવી હોવાનો મત વ્યકત કરાયો હતો. 

Tags :