CM મમતા બેનર્જી સાથે વિદેશ પ્રવાસે ગયેલા સૌરવ ગાંગુલીએ કરી દીધું મોટું એલાન, TMCએ પણ કરી પોસ્ટ
Image Source: Twitter
- સૌરવ ગાંગુલી હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે 12 દિવસના સ્પેન ને દુબઈ પ્રવાસ પર છે
નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે બિઝનેસ સેક્ટરમાં ઉતરવા માટે પૂરી રીતે તૈયાર છે. ગુરુવારે સ્પેનના મેડ્રિડમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે પોતે આ વાતનું એલાન કર્યું હતું. બિઝનેસ સેક્ટરમાં ઉતરવાની શરૂઆતમાં સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરના સાલબોનીમાં એક સ્ટીલ ફેક્ટરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે.
સ્ટીલ પ્રોડક્શનના ક્ષેત્રમાં શરૂઆત
ક્રિકેટ જગતમાં પોતાની ધૂમ મચાવ્યા બાદ સૌરવ ગાંગુલીના રાજનીતિમાં સક્રીય હોવાની અટકળોએ જોર પકડ્યુ હતું. આ વચ્ચે હવે તેમણે બિઝનેસ સેક્ટરમાં ઉતરવા માટે કમર કસી લીધી છે અને સ્ટીલ પ્રોડક્શનના ક્ષેત્રમાં પગ મૂક્યો છે. હાલમાં સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે સ્પેનમાં છે અને ત્યાંથી તેમણે આ ખુલાસો કર્યો છે. તૃણમુલ પ્રવક્તા કુણાલ ઘોષે મેડ્રિડથી પોતાના ફેસબુક પેજ પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે.
સ્પેનથી બિઝનેસ સેક્ટરમાં ઉતરવાનું એલાન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે 12 દિવસના સ્પેન ને દુબઈ પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું કે, તેમનો સ્ટીલ પ્લાન્ટ પાંચથી છ મહિનામાં પૂરો થઈ જશે. મેડ્રિડમાં 'બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરતા તેમણે બિઝનેસ સેક્ટરમાં તેમના પ્રવેશ અને બિઝનેસના રોડમેન વિશે જણાવ્યું હતું.
એક વર્ષમાં કામ કરવાનું શરૂ કરી દેશે પ્લાન્ટ
સૌરવ ગાંગુલીએ કહ્યું કે હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કારણ કે અમે બંગાળમાં ત્રીજો સ્ટીલ પ્લાન્ટ શરૂ કરી રહ્યા છીએ. આપણામાંથી ઘણા માને છે કે હું માત્ર ક્રિકેટ રમ્યો છું પરંતુ અમે 2007માં એક નાનો સ્ટીલ પ્લાન્ટ શરૂ કર્યો હતો અને પાંચથી છ મહિના બાદ અમે મેદિનીપુરમાં અમારો નવો સ્ટીલ પ્લાન્ટ પૂર્ણ કરી લઈશું. આ સાથે જ તેમણે કહ્યું કે, પૂરી આશા છે કે, આગામી એક વર્ષની અંદર આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે.
સૌરવ ગાંગુલી બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, ભલે તેઓ રમત-ગમત સાથે જોડાયેલા રહ્યા છે પરંતુ તેમનો પરિવાર એક બિઝનેસ ફેમિલી છે. ગાંગુલીએ જણાવ્યું કે, મારા દાદાએ 50-55 વર્ષ પહેલા બંગાળમાં એક નાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને તે સમયે તેમને રાજ્ય સરકાર તરફથી પૂરો સહયોગ મળ્યો હતો. તેમણે કહ્યું કે, આ રાજ્યે હંમેશા બાકી વિશ્વને વેપાર માટે આમંત્રણ આપ્યું છે. આ જ કારણ છે કે આજે આ દેશમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર છે. તે એકદમ સ્પષ્ટ છે કે, સરકાર રાજ્ય અને યુવાનોના વિકાસ માટે કામ કરવા માંગે છે.