ઈન્ડોનેશિયા તેની ખાંડ આયાત નીતિ બને એટલી વહેલી હળવી કરે તેવી ભારતની અપેક્ષા
- પામ ઓઈલ સામે ઈન્ડોનેશિયા દ્વારા ભારત ખાતેાૃથી ખાંડની ખરીદી વાૃધે તે જરૂરી
મુંબઈ, તા. 15 જાન્યુઆરી 2020, બુધવાર
ભારત દ્વારા મલેશિયાના પામ ઓઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ઈન્ડોનેશિયાને તેનો લાભ થઈ રહ્યો છે ત્યારે ભારત સરકાર ઈન્ડોનેશિયા તેની ખાંડ આયાત નીતિ હળવી કરે તેવી અપેક્ષા રાખી રહી છે. છેલ્લા એક વર્ષથી ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે આ બાબતે વાટાઘાટ થઈ રહી છે.
દ્વીપક્ષી કરાર જેના પર હાલમાં ચર્ચા ચાલુ છે તેમાં ભારત ઈન્ડોનેશિયાના પામ ઓઈલને અગ્રતા આપશે અને તેની સામે ઈન્ડોનેશિયાએ પોતાની ખાંડ નીતિ હળવી કરવાની રહે છે જેથી ભારત ખાતેથી ઈન્ડોનેશિયામાં ખાંડ નિકાસ કરવાનું સરળ રહે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
મોદી સરકારની પ્રથમ મુદત દરમિયાન આ ચર્ચા શરૂ થઈ હતી જ્યારે મલેશિયાના પામ ઓઈલની સરખામણીએ ઈન્ડોનેશિયાના પામ ઓઈલ પર વધુ ડયૂટી વસૂલાતી હતી.
સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારત સરકારે મલેશિયાના પામ ઓઈલ પરની આયાત ડયૂટી વધારીને પ૦ ટકા કરી હતી અને ઈન્ડોનેશિયાએ ખાંડ પરની આયાત ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરી હતી. ભારતના ખાંડના નિકાસકારો અગાઉ ઓસ્ટ્રેલિયાની સરખામણીએ પ્રતિ ટન ૩૦ ડોલર વધુ ચૂકવતા હતા.
જો કે કાચી ખાંડની આયાત સંદર્ભમાં ઈન્ડોનેશિયા ગુણવત્તાના મુદ્દે સખત વલણ ધરાવતું હોવાથી ભારત તથા તેની વચ્ચે આ મુદ્દે હજુ કોઈ માર્ગ નીકળી શકયો નથી. ઈન્ડોનેશિયાના નિયમો પ્રમાણે, આયાત કરાતી કાચી ખાંડનું માપ ઈન્ટરનેશનલ કમિશન ફોર યુનિફોર્મ મેથડસ ઓફ સુગર એનાલિસિસ ધોરણો પર૧૨૦૦ કે તેથી વધુ હોવું જરૂરી છે.
ભારતની ખાંડ મિલો દ્વારા ઉત્પાદિત થતી ખાંડનું આ માપ ૪૦૦થી ૮૦૦ની વચ્ચે જોવા મળે છે. ઈન્ડોનેશિયા ભારતના માપ ૮૦૦ સાથેની ખાંડની ખરીદી કરવા સૈદ્ધાંતિક રીતે સહમત થયું છે. ભારતના ખાંડના નિકાસકારો છેલ્લા એક વર્ષથી ઈન્ડોનેશિયા તેના નિયમો હળવા કરે તેની રાહ જોઈ રહ્યા છે એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
આ સપ્તાહમાં ભારતે મલેશિયા ખાતેથી પામ ઓઈલની આયાત પર અંકૂશ મૂકયા છે જેને કારણે ઈન્ડોનેશિયા ખાતેથી આયાતમાં વધારો જોવા મળવા સંભાવના છે.