Mcapની દ્રષ્ટિએ તાઈવાન, દ. કોરિઆને પાછળ મૂકીને ભારત ફરીથી પાંચમાં ક્રમે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રુડ તેલના ભાવ નીચે આવતા ભારતમાં રોકાણકારોના માનસમાં જોવા મળેલો સુધારો
મુંબઈ : તાઈવાન તથા દક્ષિણ કોરિઆની બજારોમાં કરેકશન આવતા ભારતે વૈશ્વિક માર્કેટ કેપમાં પાંચમું સ્થાન ફરી પાછું મેળવી લીધું છે. સપ્તાહના પ્રારંભમાં તાઈવાન તથા દક્ષિણ કોરિઆની બજારોમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરવા લાગતા આ બજારોમાં કરેકશન આવ્યું હતું.
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) તથા સેમીકન્ડકટર ક્ષેત્રના શેરોમાં રેકોર્ડ તેજી આવતા તાઈવાન તથા દક્ષિણ કોરિઆની માર્કેટ કેપમાં તાજેતરમાં ઉછાળો આવ્યો હતો.
તાઈવાન તથા દક્ષિણ કોરિઆની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની અંદર સરકીને અનુક્રમે છઠ્ઠા અને સાતમા ક્રમે પહોંચી ગઈ છે. જ્યારે ૫.૦૫ ટ્રિલિયન ડોલર સાથે ભારતનો ક્રમ પાંચમો રહ્યો છે.
તાઈવાનની માર્કેટ કેપ ૪.૯૭ ટ્રિલિયન ડોલર અને દક્ષિણ કોરિઆની ૪.૬૬ ટ્રિલિયમ ડોલર પર આવી ગઈ છે.
વૈશ્વિક માર્કેટ કેપની દ્રષ્ટિએ પ્રથમ ચારમાં અનુક્રમે અમેરિકા, ચીન, જાપાન તથા હોંગકોંગનો સમાવેશ થાય છે. અમેરિકાની માર્કેટ કેપનો આંક ૭૯.૨૬ ટ્રિલિયન ડોલર રહ્યો છે જ્યારે ચીનનો આ આંક ૧૫.૨૩ ટ્રિલિયન ડોલર રહ્યો છે.
વર્તમાન મહિનામાં વૈશ્વિક માર્કેટ કેપની કામગીરી નબળી રહી છે, જ્યારે ભારતની માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
જૂનમાં ભારતની માર્કેટ કેપમાં ૨.૭૫ ટકા વધારો થયો છે જ્યારે દક્ષિણ કોરિઆની માર્કેટ કેપમાં ૪.૭૦ ટકા અને તાઈવાનની માર્કેટ કેપમાં ૨.૩૦ ટકા ઘટાડો થયો છે.
ક્રુડ તેલના ભાવમાં મોટો ઘટાડો આવતા વર્તમાન મહિનામાં ભારતની ઈક્વિટી બજારમાં સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારોની સક્રિયતા તથા પશ્ચિમ એશિયા સંઘર્ષ ઠંડો પડતા ભારત માટે સ્થિતિ સાનુકૂળ બની રહ્યાનું નિષ્ણાતો માની રહ્યા છે.
વિદેશી રોકાણને આકર્ષવા રિઝર્વ બેન્ક તથા સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પગલાંને કારણે પણ સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.









