રવિ પાકના વાવેતર વિસ્તારમાં વધારો ૫૭૨ લાખ હેક્ટરમાં ઘઉં- જુવારની ખેતી
- મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં પાણીની આવક વધી
મુંબઇ, તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર
ઘઉં, જુવાર અને કઠોળના ખેતીમાં નોંધપાત્ર વધારો થવાને કારણે રવિ પાકના વાવેતર વિસ્તાર અગાઉના અઠવાડિયાની તુલનાએ ૬.૬ ટકા વધ્યો છે. ૫૭૨ લાખ હેક્ટર રવિ પાક વધવા પામ્યો છે.
ગયા અઠવાડિયે આ શિયાળુ પાકનો વાવેતર વિસ્તાર ૫૩૬ લાખ હેક્ટર હતો. કૃષિ મંત્રાલયે શુક્રવારે આ આંકડાઓ જારી કર્યા હતા.
ગઇ રવિ સીઝનમાં આ જ સમયગાળામાં જેટલા વિસ્તારમાં ઘઉંની ખેતી થઇ હતી એમાં એ જ સમયગાળામાં આ વરસે ૧૦ ટકા વધારો નોંધાયો છે. આ સીઝનમાં ૨૯૭ લાખ હેક્ટરમાં ઘઉંની ખેતી થઇ છે. આમા મહત્તમ વધારો રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો છે. આ રાજ્યોમાં આ વરસે ચોમાસામાં પાણીની આવક નોંધપાત્ર પ્રમાણમાં વધી હતી. જેની સીધી અસર ધાન્યોની ખેતી પર જોવા મળી છે.
જો કે ઘઉંની ખેતી કરતા ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા પરંપરાગત રાજ્યોમાં વાવેતર વિસ્તાર ગયા વરસની લગભગ સમાન રહ્યું અથવા મામૂલી પ્રમાણમાં વધ્યું હતું. ગયા અઠવાડિયા કરતાં ચાલુ અઠવાડિયે કઠોળની ખેતીનું પ્રમાણ પણ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું હતું. ૧૪૦ લાખ હેક્ટરમાં આ અઠવાડિયે કઠોળના પાક લેવાની શરૂઆત થઇ હતી.