દેશના ફોરેકસ રિઝર્વમાં સતત વૃદ્ધિને પગલે ઈમ્પોર્ટ કવરમાં પણ વધારો
- દેશનું ગોલ્ડ રિઝર્વ પણ ૧૧ કરોડ ડોલર વધીને ૨૬.૯૬ અબજ ડોલર
મુંબઈ, તા. 23 ડિસેમ્બર 2019, શનિવાર
૧૩ ડીસેમ્બરના પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેકસ રિઝર્વ ૧.૦૭ અબજ ડોલર વધીને ૪૫૪.૪૯ અબજ ડોલર રહ્યું છે. ફોરેન કરન્સી એસેટસમાં ૧.૧૬ અબજ ડોલરના થયેલા વધારાને પરિણામે એકંદર રિઝર્વમાં વૃદ્ધિ જોવા મળી છે.
ડોલરના રૃપમાં દર્શાવાતી ફોરેન કરન્સી એસેટસમાં ફોરેકસ રિઝર્વમાં રહેતી ડોલર સિવાયની કરન્સી જેમ કે યુરો, પાઉન્ડ તથા યેનમાં થતી વધઘટની અસરનો પણ સમાવેશ થાય છે. દેશનું ગોલ્ડ રિઝર્વ પણ ૧૧ કરોડ ડોલર વધીને ૨૬.૯૬ અબજ ડોલર રહ્યું હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. ૨૮ ડીસેમ્બર ૨૦૧૮ના સપ્તાહના અંતે દેશનું ગોલ્ડ રિઝર્વ ૨૧.૨૨ અબજ ડોલર રહ્યું હતું.
ફોરેકસ રિઝર્વમાં વધારો થતાં ભારતના ઈમ્પોર્ટ કવરમાં પણ સુધારો જોવા મળશે. વર્તમાન વર્ષના જુનમાં ૪૨૯.૮૪ અબજ ડોલર સાથે દેશનું ઈમ્પોર્ટ કવર ૧૦ મહિના જેટલું રહ્યું હતું. હવે જ્યારે ફોરેકસ રિઝર્વ વધીને ૪૫૪.૪૯ અબજ ડોલર રહ્યું છે ત્યારે ઈમ્પોર્ટ કવરમાં વધારો થવાની શકયતા છે.