Get The App

ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત?

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત? 1 - image

Impact of Iran Crisis on India: ઈરાનમાં આર્થિક સંકટને પગલે શરૂ થયેલું આંદોલન હવે હિંસક અને ઉગ્ર બની રહ્યું છે. ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ દેખાવોને કારણે ઈરાન અત્યારે રાજકીય અને આર્થિક અસ્થિરતાના ઉંબરે આવીને ઊભું છે. ઈરાનની આ કટોકટી ભારત માટે માત્ર ભૌગોલિક ચિંતા નથી, પરંતુ આર્થિક અને વ્યુહાત્મક રીતે પણ મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે.

ઈરાનમાં ઈન્ટરનેટ બંધ, 78થી વધુના મોત

ઈરાનમાં ફુગાવો, બેરોજગારી અને ચલણના ઘટતા મૂલ્ય સામે જનતા રસ્તા પર ઉતરી આવી છે. અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 78થી વધુ લોકોના મોત થયા છે, જોકે બિનસત્તાવાર આંકડો ઘણો મોટો હોવાની આશંકા છે. સરકારે દેખાવોને દબાવવા માટે સાતમી જાન્યુઆરીથી દેશભરમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ લાદી દીધો છે.

આ પણ વાંચો: ઈરાનમાં આગામી 72 કલાક 'ભારે'! ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું- અમે સ્વતંત્રતા અપાવવા તૈયાર

ભારત માટે કેમ જોખમી છે આ અશાંતિ?

ભારતે ઈરાન દ્વારા મધ્ય એશિયા અને રશિયા સુધી પહોંચવા માટે મોટું રોકાણ કર્યું છે. ઈરાનમાં અસ્થિરતાથી મોટી અસરો પડી શકે છે. ભારત માટે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા પહોંચવા માટે ચાબહાર બંદર સૌથી મહત્ત્વનું છે. અશાંતિને કારણે આ બંદરની કામગીરી અને કનેક્ટિવિટી ખોરવાઈ શકે છે. 

વાણિજ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, ભારત-ઈરાન દ્વિપક્ષીય વેપાર નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024-માર્ચ 2025)માં આશરે 1.68 અરબ ડોલર સુધી પહોંચ્યો હતો. ભારતે 1.24 અરબ ડોલરના સામાનની નિકાસ કરી હતી અને 0.44 અરબ ડોલરના સામનની આયાત કરી હતી, જેના પરિણામે ભારતને 0.80 અરબ ડોલરનો વેપાર સરપ્લસ થયો હતો. જો કટોકટી વધુ વધશે, તો ચાબહાર બંદર પર કામગીરી ધીમી પડી શકે છે અને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)  દ્વારા થતી માલની અવરજવર પર સીધી અસર પડી શકે છે.

ભારત અને ઈરાન વચ્ચે કઈ વસ્તુઓની આયાત અને નિકાસ થાય છે?

તાજેતરના વર્ષોમાં ભારત ઈરાનના પાંચ સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનો એક રહ્યો છે. ભારતમાંથી ઈરાનમાં નિકાસ થતી મુખ્ય ચીજોમાં ચોખા, ચા, ખાંડ, ફાર્માસ્યુટિકલ્સ, કૃત્રિમ ફાઈબર, ઇલેક્ટ્રિકલ મશીનરી અને આર્ટિફિશિયલ જ્વેલરીનો સમાવેશ થાય છે. વધુમાં, ઈરાનમાંથી સૌથી મોટી આયાતમાં સૂકા મેવા, અકાર્બનિક/કાર્બનિક રસાયણો અને કાચના વાસણોની આયાત કરવામાં આવે છે.

સૂકા મેવા અને રસાયણો મોંઘા થવાની ભીતિ

ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સૂકા મેવા અને કેમિકલ્સની આયાત કરે છે. જો સપ્લાય ચેઈન ખોરવાય છે, તો ભારતીય બજારોમાં આ વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ફાર્મા ઉદ્યોગ માટે જરૂરી રસાયણોની આયાત અટકવાથી દવાઓના ઉત્પાદન ખર્ચ પર પણ અસર પડી શકે છે.