વિરોધ બાદ ICICI બેન્કનો યુ-ટર્ન! રૂ. 50 હજારવાળી મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી, જાણો નવા ફેરફાર
ICICI Bank Minimum Balance Rule: ICICI બેંકે પોતાના ગ્રાહકોને મોટી ખુશખબર આપી છે અને હાલમાં જ નવા ગ્રાહકો માટે વધારવામાં આવેલી મિનિમમ બેલેન્સની લિમિટને ઘટાડી દેવાઈ છે. બેંક તરફથી માહિતી આપતા જણાવાયું છે કે, હવે સેવિંગ એકાઉન્ટના મિનિમમ એકાઉન્ટ બેલેન્સ (MAB)ના નિયમ ફરીથી બદલાયા છે અને ગ્રાહકોને રાહત આપતા મેટ્રો અને અર્બન વિસ્તારોમાં આ લિમિટ 50 હજાર રૂપિયાથી ઘટાડીને માત્ર 15 હજાર રૂપિયા કરી દેવાઈ છે.
જૂની લિમિટથી હજુ પણ વધારે
એક તરફ જ્યાં મેટ્રો અને અર્બન એરિયામાં સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ (MAB)ની લિમિટને બદલી છે, તો ત્યારે હવે સેમી-અર્બુન વિસ્તારો માટે તેને 25 હજાર રૂપિયાથી ઘટાડીને 7500 રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં 10000 રૂપિયાથી ઘટાડીને 2500 રૂપિયા કરી દેવાઈ છે. જો કે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે જો ગ્રાહક એકાઉન્ટમાં નક્કી લિમિટથી ઓછું બેલેન્સ રાખે છે, તો પછી તેમને પેનલ્ટી આપવી પડશે.
જણાવી દઈએ કે, હાલમાં ICICI Bankએ પોતાના નિયમોમાં ફેરફાર કરતા સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ રકમ કે મિનિમમ એવરેજ એમાઉન્ટ બેલેન્સની લિમિટમાં મોટો વધારો ઝીંક્યો હતો અને આ અગાઉની સરખામણીમાં 5 ગણો વધારી દેવાયો હતો. આ ફેરફાર બાદ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 10 હજાર રૂપિયા નહીં, પરંતુ 50 હજાર રૂપિયા રાખવા જરૂરી કરી દેવાયા હતા. બેંક તરફથી સ્પષ્ટતા કરાઈ હતી કે મિનિમમ એમાઉન્ટ બેલેન્સથી સંબંધિત આ ફેરફાર માત્ર એ એકાઉન્ટ પર લાગુ કરાઈ રહ્યા છે, જે આ ફેરફાર લાગુ થયાની તારીખથી ખોલાયા છે. એટલે 1 ઓગસ્ટથી. ત્યારબાદથી જ તેનો વિરોધ જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો: હવે HDFC બૅન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બૅન્કોની પોલિસી
ગ્રાહકોના ફીડબેક પર બદલાયો નિયમ
હવે બેંક તરફથી માહિતી આપતા કહેવાયું છે કે ગ્રાહકોના ફીડબેકના આધાર પર મિનિમમ બેલેન્સની લિમિટને ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. જણાવી દઈએ કે, લિમિટ 1 ઓગસ્ટથી લાગુ કરાઈ હતી અને ઘટાડાયેલી લિમિટને પણ આ તારીખથી જ લાગુ કરાઈ છે. આ સાથે જ ICICI Bank તરફથી એ જણાવાયું છે કે નવી લિમિટ સેલેરી એકાઉન્ટ, સીનિયર સિટીઝન અને પેન્શનરોના એકાઉન્ટ પર લાગુ નહીં થાય અને 31 જુલાઈ પહેલા ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટ માટે નવા નિયમો લાગુ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, MAB માસિક સરેરાશ બેલેન્સ હોય છે, તેનો મતલબ છે કે જો બેંકે 15000 રૂપિયા નક્કી કર્યા છે, તો તમારે પોતાના ખાતામાં દરરોજ આટલી રકમ રાખવી જરૂરી બની જાય છે.
ઓછા બેલેન્સ પર લાગશે આટલી પેનલ્ટી
ICICI Bank દ્વારા વધારવામાં આવેલી MAB લિમિટને ઘટાડવાનો નિર્ણય રાહતભર્યો છે, પરંતુ નવી લિમિટની સાથે પણ પેનેલ્ટીનો જૂનો નિયમ જ લાગુ રહેશે. એટલે જો કોઈ ગ્રાહક એકાઉન્ટમાં જરૂરી મિનિમમ બેલેન્સ રાખવામાં નિષ્ફળ રહે છે, તો પછી જેટલું ઓછું બેલેન્સ હશે તેના 6 ટકા એટલે કે 500 રૂપિયા જે પણ ઓછા હશે તે લાગશે. જો કે, આ પેનેલ્ટીથી ફેમિલી બેન્કિંગ એકાઉન્ટ હોલ્ડર અને પેન્શનરોના એકાઉન્ટને છૂટ આપવામાં આવી છે.