સરકારની તિજોરીમાં આવક ઘટી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 3.95 ટકા ઘટ્યું, આંકડાઓ જાહેર
Indirect Tax Collection Fall: ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં 3.95 ટકા ઘટ્યું છે. 1 એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 6.64 લાખ કરોડ નોંધાયું છે. જે ગતવર્ષે સમાનગાળાની તુલનાએ 3.95 ટકા ઘટ્યું છે.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ટેક્સ રિફંડમાં વધારો નોંધાતા ટેક્સ કલેક્શન ઘટ્યું છે. ગ્રોસ બેઝિસના આધારે રિફંડ પહેલાં દેશમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 7.99 લાખ કરોડ નોંધાયુ હતું. જેમાં પણ ગતવર્ષની રૂ. 8.14 લાખ કરોડની તુલનાએ 1.87 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ટેક્સ સ્લેબમાં વધારો કરતાં પણ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટ્યું છે. બજેટમાં કરદાતાઓ પર 12 લાખની આવક પર કોઈ ટેક્સ ન લાદવાના નિર્ણયથી સરકારની તિજોરીમાં આવક ઘટી છે.
ટેક્સ રિફંડમાં આકર્ષક ઉછાળો
ઈન્કમ ટેક્સ ફાઈલિંગમાં વૃદ્ધિની સાથે ટેક્સ રિફંડમાં પણ આકર્ષક ઉછાળો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ રિફંડ 9.81 ટકા વધી રૂ. 1.35 લાખ કરોડ નોંધાયુ છે. ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રિફંડ પહેલાં) રૂ. 7.99 લાખ કરોડ હતું. ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન માટે રૂ. 25.20 લાખ કરોડનો લક્ષ્યાંક મૂક્યો છે. જે ગત નાણાકીય વર્ષની તુલનાએ 12.7 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સરકારે STTમાંથી પણ રૂ. 78000 કરોડની આવક થવાનો અંદાજ મૂક્યો છે. જેમાં પાંચ મહિનામાં રૂ. 6.64 લાખ કરોડનું કલેક્શન નોંધાયું છે.