Housing Board Labor Union : મજૂર મહાજનને શ્રમિકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરવાના ઇરાદાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભાડેથી આપવામાં આવેલી ચાર દુકાનો વેચી રૂ. 74 લાખમાં વેચી દીધી હોવાની ફરિયાદ થતાં ગુજરાત હાઉસિંગ બોર્ડે મજૂર મહાજનને બેથી ત્રણ નોટિસ આપ્યા બાદ બે દિવસ પહેલા ચારેય દુકાનોને સીલ લગાવી દીધું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડે પણ આ હકીકતને સ્વીકારીને કાર્યવાહી કરી હોવાની હકીકતને સમર્થન આપ્યું છે.
રૂ. 74લાખમાં સોદો થયાંની વાત આવતા ફરિયાદ થઈ
ગુજરાત હાઉસિંગ બોર્ડે મજૂર મહાજન સંઘને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા હરદાાસ નગરની હાઉસિંગ બોર્ડની કોલોનીમાં બ્લોક નંબર 4માં 28, 29 અને 30 નંબરની ત્રણ દુકાનો ધર્મેન્દ્ર પ્રજાપતિને ભાડે આપી હતી. તેના અનુસંધાનમાં રચનાત્મક પ્રવૃત્તિમાં ડોનેશન પેટે રૂ. 40 લાખનો ચેક આપવાની ધર્મેન્દ્ર પ્રજાપતિએ પોલીસને આપેલી ફરિયાદમાં સ્વીકાર્યું હતું.
મજૂર મહાજનમાં ચાલતી વાતો મુજબ આ દુકાનોનો રૂ. 74 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે રૂ. 40 લાખનો ચેક આપવા ધર્મેન્દ્ર તૈયાર થયો હતો. બાકીની રકમ જગ્યા તેને નામે ચઢી જાય તે પછી આપવાની મંજૂરી આપી હતી. ધર્મેન્દ્ર પ્રજાપતિએ 24મી માર્ચ 2024ના કરેલી રજૂઆતમાં ઉપર મુજબ કબૂલાત કરી છે.
આ હકીકતની ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરવામાં આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડે મજૂર મહાજન સંઘને નોટિસ આપી હતી. પહેલી નોટિસ 8મી નવેમ્બર 2024ના અને આખરી નોટિસ 5મી ડિસમ્બર 2024ના આપી હતી. પરંતુ મજૂર મહાજન સંઘે હાઉસિંગ બોર્ડની નોટિસનો જવાબ જ ન આપતા હાઉસિંગ બોર્ડે 29મી જાન્યુઆરી 2025ના દિવસો ત્રણેય દુકાનોને સીલ લગાવી દીધા હતા.
હાઉસિંગ બોર્ડની નોટિસમાં જણાવવામાં આવ્યું છેકે હરિદાસ નગરના હાઉસિંગ બોર્ડની કોલોનીની દુકાન નંબર 28, 29 અને 30નો કબજો અનધિકૃત ત્રાહિત વ્યક્તિ ધરાવે છે તેમ માનીને દુકાનોને સીલ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક કબજો પરત લેવામાં આવશે. ચેતવણી આપતી આ નોટિસ પછીય મજૂર મહાજન સંઘે કોઈ જ વળતી કાર્યવાહી ન કરતાં ત્રણેય દુકાનોને 29મી જાન્યુઆરી 2025ના દિને સીલ કરી દીધી હતી.
મજૂર મહાજન સંઘના પ્રમુખ રમણ પટેલે આ સંદર્ભમાં ફોન પર વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે દુકાન વેચી નથી અનેઅમે માત્ર મિલકત પર ચઢી ગયેલી ટેક્સની રકમનો બોજો ઓછો કરવા માટે ધર્મેન્દ્ર પ્રજાપતિને આ દુકાન આપી હતી.
બીજીતરફ મજૂર મહાજનના સભ્યોને કચેરીના કર્તાહર્તાઓ એમ જણાવી રહ્યા છે કે અમે ગમે તેમ કરીને આ મિલકતોને ગુજરાત હાઉસિંગ બોર્ડના હાથમાંથી છોડાવી લઈશું. તેને માટે રૂ. 25લાખનો ખર્ચ કરવો પડે તો તેપણ કરવા અમે તૈયાર છીએ. આ વાત થતી હોવાથી હાઉસિંગ બોર્ડના અધિકારીએ જ તેને સીલ કરી હોવાની તસવીર પાઠવી આપી હતી.


