સબસિડીમાં ઘટાડો છતાં વીજ સંચાલિત ટુ વ્હીલર્સ માટે ઊંચા ભાવે આકર્ષણ
- ફેમ-ટુ હેઠળ સબસિડી ૪૦ ટકા પરથી ઘટાડી ૧૫ ટકા કરાઈ
મુંબઈ : સબસિડીમાં ઘટાડા છતાં દેશમાં વીજ સંચાલિત ટુ વ્હીલર્સ માટે ઊંચા ભાવે પણ આકર્ષણ જળવાઈ રહ્યું છે. વીજ સંચાલિત ટુ વ્હીલર્સનો વેચાણ આંક વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી ૭૩૪૭૬૦ વાહનો રહ્યો છે જે ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં ૭૨૮૨૭૧ રહ્યો હતો.
ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ ઈલેકટ્રીક વ્હીકલ્સ ઈન ઈન્ડિયા (ફેમ-ટુ) સ્કીમ હેઠળ એકસ-ફેકટરી ભાવ પર સબસિડી જે ૪૦ ટકા અપાતી હતી તે ઘટાડી ૧૫ ટકા કરાઈ છે.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં ભારે ઉદ્યોગ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન કૃષ્ણ પાલ ગુર્જરે જણાવ્યું હતું કે, સબસિડીમાં ઘટાડા છતાં વીજ સંચાલિત ટુ વ્હીલર્સના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો નથી.
વર્તમાન નાણાં વર્ષને પૂરું થવામાં હજુ ચાલીસ દિવસ બાકી છે ત્યારે વીજ સંચાલિત ટુ વ્હીલર્સના વેચાણમાં વધારો દેશમાં વીજ વાહનોનું ભાવિ પ્રોત્સાહક રહેવાના સંકેત આપે છે.
દેશમાં વીજ સંચાલિત વાહનોનો સ્વીકાર વધારવા સરકાર ફેમ સ્કીમ હેઠળ તેના પર સબસિડી પૂરી પાડે છે. સબસિડી પૂરી પાડવાની નીતિ એપ્રિલ ૨૦૧૯થી લાગુ કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ ઉત્પાદકો નહીં પરંતુ ખરીદદારોને સબસિડી આપવામાં આવે છે.
દેશમાં વીજ વાહનોના વેચાણમાં વધારો કરવા સબસિડી ઉપરાંત ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડો કરવાની પણ ઉદ્યોગની લાંબા સમયની માગણી રહી છે.