Get The App

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન

- ટેરિફ સંદર્ભમાં ટ્રમ્પ સામે સતત કાનૂની પડકારોને ધ્યાનમાં રાખી કરાયેલું સૂચન

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન 1 - image

મુંબઈ : અમેરિકન પ્રમુખ દ્વારા લાગુ કરાતા ટેરિફ સંદર્ભમાં સતત કાનૂની પડકારો ઊભા થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં રાખી ભારતે અમેરિકા સાથે દ્વીપક્ષી વેપાર કરાર કરવામાં ઉતાવળ કરવી ન જોઈએ તેવી દેશની થિન્ક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ) દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. 

અમેરિકા સાથે વેપાર કરાર કરવામાં અર્થપૂર્ણ લાભો મેળવ્યા વગર એકતરફી કરારમાં જોખમ રહેલા છે. 

ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ૧૦ ટકા ગ્લોબલ ટેરિફને અમેરિકાની કોર્ટે રદબાતલ કર્યા બાદ થિન્ક ટેન્કની આ ચેતવણી આવી પડી છે. ટેરિફ મુદ્દે ટ્રમ્પને બીજી વખત ફટકો પડયો છે. આ અગાઉ રેસિપ્રોકલ ટેરિફને પણ ગેરકાયદે ગણાવી ત્યાંની કોર્ટે તેને રદ કર્યા હતા. 

અમેરિકાની ટેરિફ નીતિ મુદ્દે પ્રવર્તી રહેલી સતત અનિશ્ચિતતાને જોતા ભારત દ્વારા લાંબી મુદતના કોઈપણ વેપાર કરારોને  ન્યાયી ગણાવવાનું મુશકેલ છે. 

અમેરિકાની વેપાર નીતિ ભાખી ન શકાય તેવી બની ગઈ છે. ટેરિફ સત્તા ટકાવી રાખવા ટ્રમ્પ સત્તાવાળા એક કાનૂની યંત્રણાથી બીજી યંત્રણા વચ્ચે આંટાફેરા કરી રહ્યા છે એમ જણાવી થિન્ક ટેન્કે સ્થિતિને ઉંંદર બિલાડીની રમત સાથે સરખાવી હતી. 

અમેરિકાનું અર્થતંત્ર ૧૯૭૩થી ડોલરની ફ્રી ફલોટિંગ વ્યવસ્થા સાથે ચાલી રહ્યું હોવાથી ટેરિફ લાગુ કરવાના નિર્ણયના કાનૂની પાસા પહેલેથી જ નબળા રહ્યા છે. આવી વ્યવસ્થામાં વેપાર અસમતુલા સામાન્ય રીતે કરન્સીની હલચલ તથા મૂડી પ્રવાહ દ્વારા એડજસ્ટ થતી હોય છે નહીં કે આયાત મર્યાદાઓ લાગુ કરીને. વિશ્વમાં ડોલર હજુપણ પ્રભાવશાળી ચલણ તરીકે ચાલુ રહ્યો હોવાથી અમેરિકા જંગી વિદેશી ઈન્વેસ્ટમેન્ટ જળવાઈ રહ્યું છે.