Get The App

મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂનમાં રાહતની તૈયારી

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂનમાં રાહતની તૈયારી 1 - image


GST New Slabs: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે જીએસટીનો સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી મળી હતી. આ મામલે હવે મોટી અપડેટ આવી છે કે, સરકાર ટેક્સટાઈલ અને ફૂડ પ્રોડક્ટ્સને 5 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવા વિચારણા કરી રહી છે.

કપડાં, ખાદ્યચીજોથી માંડી સિમેન્ટ પર થશે વિચાર

નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ અંતર્ગત ટેક્સનો બોજો હળવો કરવા ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને કપડાંને 5 ટકાના જીએસટી સ્લેબમાં લાવવા વિચારણા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર અમુક સામાન્ય રૂપે ઉપયોગમાં લેવાતી સેવાઓ પર જીએસટીના દરોનું મૂલ્યાંકન કરી રહી છે. આગામી મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. તદુપરાંત સિમેન્ટ સહિત અન્ય ચીજવસ્તુઓ તેમજ સલુન-બ્યૂટી પાર્લર જેવી ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવા પર પણ ચર્ચા થઈ શકે છે. હાલ નાના સલુન જીએસટીમાંથી બાકાત છે. જ્યારે મધ્યમ અને હાઈ કેટેગરીના સલુન પર 18 ટકા જીએસટી લાગુ છે. જેનો સીધો બોજો ગ્રાહકો પર પડે છે. સિમેન્ટ પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાનો પ્રસ્તાવ છે.

આ સેક્ટરમાં પણ થઈ શકે ઘટાડો

કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લાંબા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માગ છે. તદુપરાંત વીમા સંગઠનો દ્વારા ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી દૂર કરવાની માગ છે. જેના પર નિર્ણય લેવાઈ શકે છે. 4 મીટર સુધીની નાની કાર પર જીએસટી સ્લેબ 18 ટકા અને મોટી લકઝરી કારને 40 ટકા જીએસટી સ્લેબમાં લાવી શકે છે.

આ પણ વાંચોઃ ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ

હાલ મીઠાઈ-કપડાં પર કેટલો જીએસટી?

બ્રાન્ડ વિનાની મીઠાઈ પર હાલ 5 ટકા જીએસટી લાગુ છે, જ્યારે બ્રાન્ડેડ અને પેકેજ્ડ મીઠાઈ પર 18 ટકા જીએસટી. તદુપરાંત કાર્બેનેટેડ ડ્રિંક્સ પણ 18 ટકા જીએસટીમાં સામેલ છે. કપડાંની કિંમતના આધારે 5થી 12 ટકાનો સ્લેબ લાગુ છે. રૂ. 1000થી ઓછી કિંમતના કપડાં પર 5 ટકા અને વધુ કિંમતના કપડાં પર 12 ટકા જીએસટી લાગુ છે.

સપ્ટેમ્બરની શરૂઆતમાં લેવાશે નિર્ણય

નાણા મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ જીએસટી કાઉન્સીલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. તે પહેલાં 2 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે જીએસટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ થશે. હજી સુધી જીએસટી કાઉન્સિલની બેઠકનો વિસ્તૃત એજન્ડા અને સ્થળ જાહેર થયુ નથી. જીએસટી સચિવાલયના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીએ જીએસટીમાં સુધારાથી સરકારને થનારા નુકસાન પર મુસદો તૈયાર કર્યો છે. 

દિવાળી પહેલાં થઈ શકે જાહેરાત

જીએસટી કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જીએસટીમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર કામગીરી શરુ થઈ ચૂકી છે. રાજ્યો સાથે આ મામલે ચર્ચા-વિચારણા પૂર્ણ થઈ છે. જેથી કેન્દ્ર સરકાર વિજયા દશમી (2 ઑક્ટોબર) સુધીમાં જીએસટીના નવા દરો રજૂ કરી શકે છે. જો પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ થઈ તો તેનો અમલ દશેરા સુધીમાં થઈ શકે છે. 

મિડલ ક્લાસને ફાયદો: GSTમાં કપડાં, ફૂડ પ્રોડક્ટ્સથી લઈને સિમેન્ટ અને સલૂનમાં રાહતની તૈયારી 2 - image

Tags :