ટેરિફ કિંગ ટ્રમ્પની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપશે સરકાર? ભારત પાસે ચાર વિકલ્પ
US Tariff Impact On India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત અનુસાર, ભારત પર આવતીકાલે 27 ઓગસ્ટ, 2025થી વધારાનો 25 ટકા ટેરિફ લાગુ થશે. આ સાથે અમેરિકા ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલશે. ભારતને અમેરિકામાં નિકાસ કરવી મોંઘી પડશે. અમેરિકાએ આ આકરૂ વલણ લાદવા પાછળનું કારણ રશિયા સાથે ક્રૂડ વેપાર ગણાવ્યું છે. આવો જાણીએ કે, ભારત આ ટેરિફનો સામનો કેવી રીતે કરશે?
અમેરિકાએ જાહેર કરી નોટિફિકેશન
અમેરિકાએ ભારતમાં વધારાના 25 ટકા ટેરિફ લાદવા મુદ્દે ઔપચારિક નોટિફિકેશન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, નવા ટેરિફ સાથે આજે સવારે 12.01 વાગ્યા (અમેરિકન સમય)થી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ થશે. નોટિફિકેશન જાહેર કરવાની સાથે અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે, રશિયા પાસેથી ક્રૂડની મોટાપાયે ખરીદીના કારણે ભારત પર વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જે ગત 1 ઓગસ્ટ, 2025થી અમલી છે.
ભારત-US ડીલ પર સહમતિ નહીં
ટ્રમ્પના 50 ટકા ટેરિફમાંથી દેશના ફાર્માસ્યુટીકલ્સ, સેમીકંડક્ટર્સ, અને એનર્જી સહિતના સેક્ટર્સને મુક્તિ મળી છે. જ્યારે ટેક્સટાઈલ, ડાયમંડ-જ્વેલરી, ચામડું, મરીન પ્રોડક્ટ્સ, કેમિકલ, અને ઓટો પાર્ટ્સ જેવા સેક્ટર્સ વધુ પ્રભાવિત થશે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વીપક્ષીય વેપાર સહમતિ થઈ રહી નથી. જેથી 50 ટકા ટેરિફમાં રાહત મળવાના અણસાર નહિંવત્ત છે. આ ટેરિફના કારણે ભારત-અમેરિકા વેપાર ખાધ ગતવર્ષે 2024માં 45.8 અબજ ડોલર સામે વધવાની ભીતિ છે.
આ રીતે કરી શકે છે સામનો
પહેલો વિકલ્પઃ નવા બજારની તકો શોધવી
અમેરિકા તરફથી ઊંચા ટેરિફના કારણે ભારતની નિકાસ મોંઘી થશે. એવામાં ભારતે અમેરિકાનો વિકલ્પ શોધવો પડશે. ભારતે અન્ય બજારો ખાસ કરીને યુરોપ, દક્ષિણ-પૂર્વ એશિયા, અને આફ્રિકા જેવા દેશોમાં નિકાસ વધારવાની તકો શોધવી પડશે. જેથી અમેરિકા પર નિર્ભરતા ઘટશે તેમજ ટેરિફની અસર ઘટાડવામાં પણ મદદ મળશે. ભારત ચીન સાથે વેપાર સંબંધો ગાઢ કરવા પર ફોકસ કરી રહ્યું છે.
બીજો વિકલ્પઃ રશિયા સાથે નવી વેપાર રણનીતિ
અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર ટેરિફ લાદ્યો છે. જો કે, ભારત ઝૂકવા તૈયાર નથી. તે રશિયા સાથે પોતાના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યું છે. બંને દેશો દ્વિપક્ષીય વેપાર માટે વાર્તાલાપ કરી રહ્યા છે. તેઓ એવી વૈકલ્પિક વેપાર વ્યવસ્થાઓ શોધી રહ્યા છે, જે અમેરિકાના ટેરિફની અસરો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય.
રશિયા ઉપરાંત ભારત વેનેઝુએલા તથા આફ્રિકા જેવા બીજા દેશોમાંથી ક્રૂડની આયાતના નવા સ્રોતો પણ શોધી શકે છે. જોકે, તેમાં વધારો કરવા લોજિસ્ટિક્સ અને ખર્ચ એક પડકારરૂપ બની શકે છે.
ત્રીજો વિકલ્પઃ ટેરિફ વધારવા પર વિચાર
ભારત પર ટેરિફ મુદ્દે અમેરિકાના આકરા વલણ બાદ બંને દેશો વચ્ચે સમાધાન ન થયું તો ભારત પલટવાર કરી શકે છે. તે અમેરિકાની અમુક પસંદગીની પ્રોડક્ટ્સ (કૃષિ, ફાર્મા, ટેક્નિકલ) પર જવાબી ટેરિફ લાદી શકે છે. ભારતે વર્ષ 2019માં અમેરિકાના બદામ, સફરજન, અને સ્ટીલ પર વધારાનો ટેરિફ લાદ્યો હતો.
ચોથો વિકલ્પઃ સ્થાનિક ઉદ્યોગોને સબસિડી
ભારતમાં 50 ટકા ટેરિફની અસર ઘટાડવા માટે સ્થાનિક ઉદ્યોગોને સબસિડી આપી શકે છે. ટેક્સટાઈલ, આઈટી સહિતના અન્ય સ્થાનિક ઉદ્યોગોને સબસિડી તેમજ પ્રોત્સાહનો આપી ટેરિફની અસર ઘટાડી શકે છે.