GST કલેક્શનને કારણે સરકારની આવક 8 વર્ષમાં 3 ગણી થઇ, નવા સુધારાની કેવી અસર થશે?
Next Generation GST Reforms: જીએસટી કાઉન્સિલની ગઈકાલે શરૂ થયેલી બેઠકમાં નેક્સ્ટ જનરેશન જીએસટીમાં મોટા સુધારાઓ સૌ કોઈ માટે રાહત લાવ્યા છે. નવરાત્રી પહેલાં જ નિર્મલા સીતારમણે જીએસટીમાં રાહતની ભેટ આપી છે. હવે જીએસટીના બે સ્લેબ 5 ટકા અને 18 ટકા રહેશે. જ્યારે હાનિકારક અને સુપર લકઝરી વસ્તુઓ માટે એક સ્પેશિયલ 40 ટકાનો સ્લેબ લાગુ થશે. દેશમાં તમામ પ્રકારના ટેક્સ દૂર કરતાં 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. જીએસટી કલેક્શન મારફત સરકારની આવક વાર્ષિક ધોરણે સતત વધી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં સરકારની આવક ત્રણ ગણી વધી છે. જો કે, નવા સુધારાથી સરકારની તિજોરીને નુકસાન થવાની શક્યતા છે.
દરવર્ષે વધી સરકારની આવક
જીએસટી મારફત સરકારની આવકની વાત કરીએ તો 1 જુલાઈ, 2017ના રોજ લાગુ થયા બાદ દરવર્ષે તેમાં નોંધનીય વધારો થયો છે. વર્ષ 2025માં જીએસટી કલેક્શને તમામ રેકોર્ડ તોડ્યા હતા. અત્યાર સુધીના સૌથી વધુ GST કલેક્શનના આંકડા પર નજર કરીએ, તો એપ્રિલમાં સૌથી વધુ રૂ. 2.37 લાખ કરોડની કમાણી જીએસટી મારફત થઈ હતી. 2021-22માં રૂ. 11.37 લાખ કરોડથી માંડી 2024-25 સુધીમાં રૂ. 22.08 લાખ કરોડ સાથે છેલ્લા પાંચ વર્ષમાં જીએસટી કલેક્શન બમણાથી વધ્યું છે.
આ પણ વાંચોઃ પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’
આવકમાં નુકસાનની ભરપાઈની માગ
જીએસટીમાં સુધારાના કારણે સરકારને વાર્ષિક આશરે રૂ. 40,000 કરોડનું નુકસાન થવાની આશંકા છે. નેક્સ્ટ જનરેશન જીએસટીના કારણે સરકારની આવકમાં નોંધપાત્ર અસર થવાની હોવાથી સરકારે તેની ભરપાઈના પગલાં લીધા છે. જીએસટી સચિવાલયના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીએ જીએસટીમાં સુધારાથી સરકારને થનારા નુકસાન પર મુસદો તૈયાર કર્યો છે. વિપક્ષ દ્વારા નુકસાનની ભરપાઈ માટે યોજના બનાવવાની માગ કરવામાં આવી હતી. વિપક્ષના અમુક રાજ્યોએ આ નુકસાનની ભરપાઈ માટે સેસમાં વધારો કરવાની દરખાસ્ત મૂકી છે. પરંતુ કેન્દ્ર દ્વારા સહમતિ દર્શાવવામાં આવી નથી.
2017થી અત્યારસુધી જીએસટીમાં અનેક ફેરફારો
દેશનો ઐતિહાસિક ટેક્સ સુધારો ગણાતા જીએસટી 1 જુલાઈ, 2017ના રોજ લાગુ થયો હતો. સરકારે જૂના વિવિધ પ્રકારના ઈનડાયરેક્ટ ટેક્સિસ દૂર કરતાં એક જ સિંગલ ટેક્સ પ્રણાલી માટે જીએસટી લાગુ કર્યો હતો. જેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. અને અનેક સુધારા કરવાાં આવ્યા છે. આ માટે જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય નાણા મંત્રી, રાજ્ય મંત્રી (રેવન્યૂ), અને રાજ્યોના નાણા મંત્રીઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જીએસટીના પહેલાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ ચાર સ્લેબ હતાં. જે ઘટાડી ગઈકાલે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા કરવામાં આવ્યા છે.