Get The App

દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત

- મે મહિનાનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ વધી ૫૯.૮૦ સાથે છ મહિનાની ટોચ પર પહોંચી ગયો

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત 1 - image

મુંબઈ : ઉત્પાદન ક્ષેત્ર બાદ દેશની મે મહિનાની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ આશાસ્પદ વધારો જોવા મળ્યો છે. માગમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેતા મેમાં   એચએસબીસી ઈન્ડિયા સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) વધી ૫૯.૮૦ સાથે છ મહિનાની ટોચે રહ્યો હતો. એપ્રિલમાં આ આંક ૫૮.૮૦ રહ્યો હતો.

પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે પણ દેશમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવા મળતો વધારો  ઘરઆંગણે માગ મજબૂત હોવાનું સૂચવે છે. 

નવેમ્બર, ૨૦૨૫ બાદ વર્તમાન વર્ષના મેનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ સૌથી વધુ જોવા મળ્યો છે. નવેમ્બર, ૨૦૨૫નો આંક ૫૯.૮૦ રહ્યો હતો. 

નૂર, ડિજિટલ સોલ્યુશન્સ, ઈ-કોમર્સ, મનોરંજન તથા આઈટી જેવી સેવાઓ માટે મજબૂત માગને કારણે ગત મહિને નવા બિઝનેસમાં વૃદ્ધિ જોવા મળી હતી એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.

કામકાજમાં વધારો થતા સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ કર્મચારીઓની ભરતીમાં પણ વધારો કર્યો હતો. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. મેમાં સતત ૫૮માં મહિને સેવા ક્ષેત્રનો પીએમઆઈ વિસ્તરણના ઝોનમાં રહ્યો હતો.માગની તંદૂરસ્ત સ્થિતિ, નવા ગ્રાહકોનો ઉમેરો તથા નવા બિઝનેસમાં વધારાથી કામકાજમાં વૃદ્ધિ જોવા મળી છે. 

સેવા પૂરી પાડતી કંપનીઓને વિદેશની સરખામણીએ ઘરઆંગણેની બજારમાંથી ઓર્ડરોમાં વધારો થયો છે. ખર્ચનું દબાણ ઘટી ચાર મહિનાની નીચી સપાટીએ રહ્યું છે પણ હજુપણ તે ઐતિહાસિક ઊંચી સપાટીએ છે. 

એપ્રિલની સરખામણીએ મેમાં ઈંધણ, ગેસ, લેબર તથા કાચા માલ માટે વધુ નાણાં ચૂકવવા પડયા હોવાનું સર્વેમાં ભાગ લેનારી કંપનીઓએ જણાવ્યું હતું. બીજી બાજુ સેવા પૂરી પાડવા માટેની કિંમતમાં પાંચ ટકા જેટલો સાધારણ વધારો જોવા મળ્યો હતો. 

મેમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ વધી ૫૫ સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. આમ સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ ૫૯.૩૦ સાથે છ મહિનાની ટોચે  રહ્યો હોવાનું પણ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.