સરકારી અને ખાનગી બેંકોને સરકારનો દેશમાં 15,000 નવી બ્રાંચ ખોલવાનો હુકમ
નવી દિલ્હી,16 જાન્યુઆરી 2020 ગુરૂવાર
ગામડાંઓમાં બેંકની સુવિધા તમામ લોકો સુધી સરળતાથી પહોંચી રહે તે માટે કેન્દ્ર સરકારે તમામ બેંકોને દેશમાં 14,000-15,000 નવી બ્રાંચ ખોલવાનો આદેશ આપ્યો છે. આ બાબત
સાથે સંકળાયેલા ત્રણ સૂત્રોના જણાવ્યા અનુસાર, SBI, BOB, HDFC, ICICI જેવી બેંકોને આગામી વર્ષમાં મોટી સંખ્યામાં બ્રાંચો ખોલવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલય દ્વારા બેંકોને જણાવાયું છે કે તેઓ જ્યાં બેંકોની સુવિધા ઉપલબ્ધ નથી તેવા ગામડામાં 15 કિમીનો વિસ્તાર આવરી શકાય તે રીતે બેંકો શરૂ કરે.
કયા વિસ્તારમાં અને સ્થળે બેંકની બ્રાંચ શરૂ કરવી તે પણ સરકાર દ્વારા જણાવવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે એસબીઆઈ જેવી બેંક 1500 નવી બ્રાંચ શરૂ કરે, જ્યારે પ્રાઈવેટ બેંકોને 600-700 બ્રાંચ શરૂ કરવા કહેવાયું છે. આ યાદીમાં એવા ગામો અને પંચાયતોને આવરી લેવાયા છે કે જ્યાં બેંકો ઉપલબ્ધ નથી.
માર્ચ 2019 સુધીના આંકડા અનુસાર, દેશમાં વિવિધ બેંકોની 1.20 લાખ બ્રાન્ચ આવેલી છે, જ્યારે એટીએમનો આંકડો બે લાખની આસપાસ થાય છે. જોકે, 1.20 લાખમાંથી ગામડામાં આવેલી બ્રાંચોની સંખ્યા માત્ર 35,649 જેટલી જ છે.
આરબીઆઈના ડેટા અનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં 2018ની સરખામણીમાં 2019માં માત્ર 3 ટકા વધુ બ્રાંચ ખૂલી હતી. બેંકો માટે મેટ્રો શહેરોમાં ખોલાતી બ્રાંચ બે વર્ષમાં નફો કરતી થઈ જાય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ચાર વર્ષ બાદ નફો મળવાનો શરૂ થાય છે.