Get The App

STCG ટેકસ દર વીસ ટકાથી પણ વધુ વસૂલવા માટે સરકારની વિચારણા

- એલટીસીજી ટેકસ સંદર્ભમાં સમીક્ષા કરવાની હાલમાં યોજના નથી

Updated: Aug 1st, 2024

GS TEAM

Google News
Google News
STCG ટેકસ દર વીસ ટકાથી પણ વધુ વસૂલવા માટે  સરકારની વિચારણા 1 - image


મુંબઈ : નાણાંકીય એસેટસ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન  (એસટીસીજી) ટેકસનો દર વીસ ટકાથી પણ ઉપર લઈ જવા સરકાર વિચારી શકે છે. એસટીસીજી એ કોઈ ઈન્વેસ્ટમેન્ટ નથી. એસટીસીજી ટેકસ દર વીસ ટકાથી વધુ નહીં રાખવાનું કોઈ કારણ નથી એમ નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. 

ટૂંકા ગાળાનો લાભ મોટે ભાગે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા ઈક્વિટીસમાં વેપાર મારફત થાય છે, તેને ઈન્વેસ્ટમેન્ટસ સાથે સરખાવી ન શકાય. 

એસટીસીજી ટેકસથી અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડતી નથી. કેટલાક નાણાંકીય પ્રોડકટસ પર વર્તમાન વર્ષના બજેટમાં એસટીસીજી ટેકસ દર વધારી વીસ ટકા કરાયો છે. 

આવકના અન્ય સ્રોતો પર ઊંચા ટેકસની સરખામણીએ એસટીસીજીના ટેકસ દર ઊંચા રાખવાનું સરકાર વધુ મુનાસિબ માને છે. 

એક વર્ષ કરતા ઓછા સમય માટે જાળવી રાખી વેચાણ કરાતી નાણાંકીય એસેટસ પર થતાં લાભ પર એસટીસીજી ટેકસ વસૂલવામાં આવે છે. કેટલીક ચોક્કસ પ્રકારની નાણાંકીય એસેટસ પર એસટીસીજી ટેકસ દર ૧૫ ટકા પરથી વધારી ૨૦ ટકા કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે શેરબજારમાં એફએન્ડઓ  વેપારમાં અસંખ્ય લોકો નાણાં ગુમાવતા હોવાનું સરકારને જણાયું છે. એફએન્ડઓની લત છોડવવા  સરકારી સ્તરે પ્રયાસો પણ થઈ રહ્યા છે. 

દરમિયાન લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (એલટીસીજી) ટેકસ  સંદર્ભમાં સમીક્ષા કરવાની હાલમાં કોઈ યોજના નહીં હોવાનું રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું હતું. 

મધ્યમ ગાળે એલટીસીજી ટેકસ દર હાલના સ્તરે જ જળવાઈ રહેશે, એમ તેમણે પીએચડી હાઉસ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે બજેટ બાદના વાર્તાલાપ દરમિયાન જણાવ્યું હતું.

વર્તમાન બજેટમાં સરકારે લિસ્ટેડ ઈક્વિટી પર એલટીસીજી દર વધારી ૧૨.૫૦ ટકા કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રને એલટીસીજી ટેકસ મારફત રૂપિયા ૨.૭૮ લાખ કરોડની આવક થઈ છે. 

Tags :