શેરબજારના રોકાણકારો માટે ખુશખબર, સેબીએ LTCG ટેક્સ મામલે સરકાર સમક્ષ રજૂ કર્યા 2 મોટા પ્રસ્તાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Stock Market News : ભારતીય શેરબજારમાં સ્થાનિક રોકાણકારોને મોટી રાહત આપવા તેમજ વિદેશી રોકાણકારો (FIIs) ને આકર્ષવા માટે સેબી (SEBI - સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કેન્દ્ર સરકાર સમક્ષ ટેક્સ સંબંધિત બે ક્રાંતિકારી પ્રસ્તાવો રજૂ કર્યા છે. અહેવાલ મુજબ, સેબીએ વિદેશી રોકાણકારો પર લાગતો લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ સંપૂર્ણપણે હટાવવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે પણ એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં રોકાણ બદલવા (સ્વિચિંગ) પર ટેક્સ મુક્તિનો પ્રસ્તાવ મુકાયો છે.
ફેબ્રુઆરીમાં રજૂ થનારા કેન્દ્રીય બજેટના ત્રણ મહિના પહેલાં જ સેબી દ્વારા કરવામાં આવેલી આ ભલામણો પર હવે કેન્દ્ર સરકાર આખરી નિર્ણય લેશે.
કેપિટલ ગેઈન્સ ટેક્સ અંગે સેબીના 2 મુખ્ય પ્રસ્તાવ
વિદેશી રોકાણકારો માટે LTCG નાબૂદ કરવો: સેબીએ ભલામણ કરી છે કે વિદેશી રોકાણકારો માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ સંપૂર્ણપણે રદ કરવામાં આવે, જેથી ભારતીય બજારમાં વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ વધારી શકાય.
મ્યુચ્યુઅલ ફંડના સ્વિચિંગ પર ટેક્સ માફી: જો સ્થાનિક રોકાણકારો 1 વર્ષથી વધુ સમય સુધી રાખેલી મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સને વેચીને બીજી કોઈ સ્કીમમાં રોકાણ કરે છે, તો તેને 'ટેક્સેબલ સેલ' ગણવામાં ન આવે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં જ પોતાના નાણાં જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
હાલમાં કેટલો ટેક્સ ચૂકવવો પડે છે?
બજારના વર્તમાન નિયમો અનુસાર:
LTCG ટેક્સ: 1 વર્ષથી વધુ સમય માટે રાખેલી સિક્યોરિટીઝ પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગે છે.
STCG ટેક્સ: 1 વર્ષ કે તેથી ઓછા સમયમાં કરાતા વેચાણ પર 20% શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ વસૂલવામાં આવે છે.
અન્ય ચાર્જિસ: આ સિવાય શેરની ખરીદ-વેચાણ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) અને ડિવિડન્ડ પર વિથહોલ્ડિંગ ટેક્સ પણ ચૂકવવો પડે છે.
સેબીનું માનવું છે કે અન્ય વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતમાં ઈક્વિટી રોકાણ સાથે જોડાયેલ ટ્રાન્ઝેક્શન કોસ્ટ (વ્યવહાર ખર્ચ) ખૂબ જ વધારે છે.
વિદેશી રોકાણકારોની વિક્રમી 31 બિલિયન ડોલરની વેચવાલી
છેલ્લા બે વર્ષમાં ભારતીય શેરબજારનું પ્રદર્શન અન્ય ઉભરતા બજારો (Emerging Markets) ની સરખામણીએ નબળું રહ્યું છે:
વિક્રમી વેચવાલી: ચાલુ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાંથી રેકોર્ડ 31 બિલિયન ડોલર નાણાં પાછા ખેંચી લીધા છે.
રૂપિયા પર દબાણ: સતત વેચવાલીને કારણે ભારતીય રૂપિયાના મૂલ્ય પર પણ ભારે દબાણ સર્જાયું છે.
બજારનું નબળું પ્રદર્શન: છેલ્લા 2 વર્ષમાં Nifty 50 માં 4.8% નો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેની સામે MSCI ઈમર્જિંગ માર્કેટ ઈન્ડેક્સ 40% ઉછળ્યો છે. આ સમયગાળામાં મોટા શેરોમાં રોકાણ કરતા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સનું સરેરાશ રિટર્ન 1.6% ઘટી ગયું છે, જેને કારણે ભારતીય રિટેલ રોકાણકારો પણ વિદેશી બજારો તરફ વળ્યા છે.
બ્રોકરેજ હાઉસીસનો અંદાજ: રોકાણકારોને શું ફાયદો થશે?
જેફરીઝ (Jefferies): બ્રોકરેજ ફર્મ જેફરીઝના જણાવ્યા મુજબ, કેપિટલ ગેઈન્સ ટેક્સમાં કાપ મૂકવાથી વિદેશી રોકાણકારો માટે ભારતીય બજાર વધુ આકર્ષક બનશે અને પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટમાં મોટો ઉછાળો આવશે.
IIFL: બ્રોકરેજ ફર્મ IIFL નો અંદાજ છે કે કેપિટલ ગેઈન્સ ટેક્સ નાબૂદ થવાથી વિદેશી રોકાણકારોનું રિટર્ન 2.3 ટકા પોઈન્ટ સુધી વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ હાલ 82.6 લાખ કરોડ રૂપિયા ની સંપત્તિ ધરાવે છે, જેમાં દર મહિને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા સરેરાશ 30000 કરોડ રૂપિયાનું રોકાણ આવે છે. સેબીના આ પ્રસ્તાવો મંજૂર થશે તો ભારતીય શેરબજારને ફરી એકવાર નવી ઊંચાઈઓ તરફ જવાની પાંખો મળશે.




